બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે સુરતનાં બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં 11 ક્લસ્ટરની વિવિધ પ્રાથમિક શાળાઓનાં 33 બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સ્પર્ધક બાળકો તેમજ ઉપસ્થિત માર્ગદર્શક શિક્ષકોને આવકારી જણાવ્યું હતું કે નિપુણ ભારત મિશન અંતર્ગત અધ્યયન- અધ્યાપન પ્રક્રિયામાં વાર્તાઓનાં મહત્ત્વનો સ્વીકાર થયો છે ત્યારે વાર્તા કથન આધારિત શિક્ષણશાસ્ત્રને એક માપદંડ આધારિત શિક્ષણશાસ્ત્ર તરીકે જોવામાં આવશે. પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા ટ્રોફીનાં દાતા એવાં ભાજપાનાં અનુસૂચિત જાતિ મોરચાનાં પ્રમુખ પ્રવિણભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
સ્પર્ધાનાં અંતે પરિણામો નીચે મુજબ ઘોષિત થયા હતાં. ફાઉન્ડેશનલ સ્ટેજ ધોરણ 1/2 (વાર્તા કથન) : પ્રથમ – હીર પટેલ (કુદિયાણા), દ્વિતીય – માન્યા ચતુર્વેદી (પરીયા), તૃતિય – દશાંક માંગેલા (અસ્નાબાદ) પ્રિપેરેટરી સ્ટેજ ધોરણ 3 થી 5 (વાર્તા કથન) : પ્રથમ – યશવી પટેલ (કુદિયાણા), દ્વિતીય – આરોહી પટેલ (જીણોદ), તૃતિય – પરિનિતી પ્રધાન (મુળદ) મિડલ સ્ટેજ ધોરણ 6 થી 8 (વાર્તા લેખન) : પ્રથમ – ફેની પટેલ (કુદિયાણા), દ્વિતીય – વેન્સી પટેલ (સરસ), તૃતિય – જીયા પટેલ (તેનાનીરાંગ)
વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. આ પ્રથમ ક્રમાંકિત બાળકો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હીના પટેલ (કંથરાજ), દીપ્તિ મૈસુરીયા (શિવાજી નગર), ધર્મિષ્ઠા ભાટીયા (અંભેટા), પ્રવિણા મોરકર (રસુલાબાદ), હેમલતા પરમાર (કઠોદરા), સુશીલા પટેલ (સરોલી), દુષ્યંત જોષી (બરબોધન), પારૂલ પટેલ (કરંજ) તથા અનિતા સિંધી (સાયણ) એ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશભાઈ મહેતાએ કર્યું હતું. અંતમાં આભારવિધિ બ્લોક એમ.આઇ.એસ. કો-ઓર્ડિનેટર સંજયભાઈ રાવળે આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.