કે.વિ.કે. વ્યારા દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી અંતર્ગત ધાંગધર ગામે શ્રીઅન્ન (મિલેટ) વાનગી હરીફાઇ યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત ડોલવણ તાલુકાના ધાંગધર ગામે તા. ૧૨/૦૯/૨૦૨૩ ના રોજ શ્રીઅન્ન (પોષક અનાજ) વાનગી હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાંગધર ગામની કુલ ૩૮ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. વાનગી સ્પર્ધામાં કુલ ૨૦ આદિવાસી મહિલાઓએ ભાગ લઇ વિવિધ મિલેટનો ઉપયોગ કરી પોષ્ટિક વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી. જેમાં આદિવાસી મહિલાઓ દ્વારા નાગલી, જુવાર, બાજરીઅને સાથે વિવિધ પ્રકારની ભાજી, સરગવો, સરગવાના ફુલ, મશરૂમ, ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરી ટ્રેડિશનલ ડીશ, લાડુ, સુખડી, બિસ્કિટ, મુઠિયા, પાતરા, રોટલા, ઢેકડા, ઢોકળી, ઇડલી, કઠોળ, ભાજી-કઠોળનું શાક, મશરૂમનું શાક, ચટણી વગેરે પોષ્ટિક વાનગી બનાવવામાં આવી હતી.
કાર્યક્રમનાં અધ્યક્ષ અને કેન્દ્ર ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ સર્વે મહિલાઓને અભિનંદન પાઠવી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને રાષ્ટ્રીય પોષણ માસનું મહત્વ સમજાવી પોષક અનાજ (મિલેટ)ની ખેતી વૈજ્ઞાનિક ઢબે કરવા માટે ભાર મુક્યો હતો. તેમણે નાગલી,વરીની વિવિધ નવી જાતો વિશે માહિતી આપી આહારમાં વધુમાં વધુ મિલેટનો ઉપયોગ કરવા માટે હાંકલ કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ તાપી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર શ્રી તન્વી પટેલે ઉપસ્થિત મહિલાઓને મિલેટની વિવિધ વાનગીઓ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા તેમજ મહિલાઓ અને બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવતા માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ પેકેટ વિશે સવિસ્તાર માહિતી આપી તેનો ઉપયોગ કરવા માટે વિશેષ ભાર મુક્યો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોની એ મિલેટનું આહારમાં મહત્વ અને તેમાં રહેલ પોષક તત્વો વિશે માર્ગદર્શન આપી સમતોલ આહારનું માનવ તંદુરસ્તીમાં મહત્વ વિશે જાણકારી આપી હતી. તેમણે પૌષ્ટિક વાનગીઓ બનાવેલ દરેક મહિલાઓને અભિનંદન પાઠવી તેઓને પોષ્ટિક વાનગીઓ બનાવી વેચાણ કરી આવક ઉપાર્જન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કેન્દ્રના બાગાયત વિભાગના વૈજ્ઞાનિક ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલએ સજીવ ખેતી પર ભાર મુકતા નોવેલ ઓર્ગેનિક ન્યુટ્રીઅન્ટ, સ્યુડોમોનાસના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
મિલેટ વાનગી સ્પર્ધામાં વિજેતા મહિલાઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામ તરીકે નોવેલ ઓર્ગેનિક ન્યુટ્રીઅન્ટ, સ્યુડોમોનાસ, શાકભાજીના ધરૂ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જીવનવહળ ટ્રસ્ટ, બરડીપાડાના સિસ્ટર ઝોના, સિસ્ટર ચિનામ્મા તેમજ ICDS, તાપીના મુખ્ય સેવિકા શ્રીમતી ગંગાબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે, જીવનદીપ મહિલા બચત–ધિરાણ કરનારી સહકારી મંડળીના પ્રમુખ શ્રીમતી ઇન્દુબેન ચૌધરીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોનીએ કર્યુ હતું.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other