તાપી જીલ્લામાં સરકારની નીતિઓ સામે આદિવાસીઓમાં જનઆક્રોશ : પદયાત્રાનું ઠેરઠેર સ્વાગત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં સાત સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ થી વર્તમાન સમયમાં ભાજપ સરકાર દ્વારા વિવિધ મુદ્દે આદિવાસીઓને અન્યાય કરવામાં આવી રહ્યોં હોય તેવી લાગણી સાથે વિવિધ વિસ્તારોમાંથી પદયાત્રાઓ શરૂ કરવામાં આવી છે.જે આદિવાસી અધિકાર દિવસ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ વ્યારા ખાતે ભાજપ સરકાર આદિવાસીઓ નો આવાજ સાંભળે તે માટે જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી પદયાત્રા ને વિશાળ જનસભામાં પરિવર્તિત કરવામાં આવનાર છે.
સમગ્ર મામલે આજરોજ ઉચ્છલ તાલુકાના યુવાનો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.જે દરમિયાન ભાજપ સરકારની તાનાશાહી અને ખાનગીકરણ ની નીતિ સામે વિરોધ રેલી તેમજ ખાનગીકરણ બંધ કરો બંધ કરો જેવા લખાણ સાથે યાત્રા માં પ્રદર્શિત થયેલા બેનરો આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.
આ દરમિયાન ઉચ્છલ તાલુકાના આદિવાસી યુવાન જણાવી રહ્યા છે કે, એક વેલ્ફેર સ્ટેટ મા આરોગ્ય અને શિક્ષણ તે સરકાર ની જવાબદારી હોય છે તેવામાં સરકાર તેનું ખાનગીકરણ કરી તેને કોર્પોરેટ ને સોંપી પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે જે સહેજ પણ ચલાવી શકાય નહીં , માટે સમગ્ર તાપી જીલ્લામાં આદિવાસી સમાજ ભાજપની નીતિઓ સામે પદયાત્રા સ્વરૂપે વિરોધ કરી રહ્યો છે જે લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ને ચેતવણી છે, વિધાનસભા ચૂંટણીમા ખોબલે ને ખોબલે મત આપ્યા પછી ભાજપ પોતાના લાભ માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા વિભાગોના સંસ્થાનોને હોસ્પિટલ, કોલેજો ખાનગી કરી કોર્પોરેટ ને સોંપી જનતા તેમજ સરકાર વચ્ચેનો સેતુ તોડી રહી છે તેનું પરિણામ સરકારને જ ભોગવવું પડશે.
આદિવાસી વિસ્તારોમાં ખાનગીકરણ તેમજ જમીન સંપાદન જેવા વિષયો ઉપર ભાજપ સરકારની નીતિઓ સામે પદયાત્રામાં મોટા પાયે સ્વયંભૂ રીતે આદિવાસી સમાજ રોડ ઉપર નીકળી આવતા ભાજપની મુશ્કેલી વધી રહી છે તે નક્કી છે.