દિલ્હી ખાતે યોજાનાર ધરણાં કાર્યક્રમ સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે આજરોજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા તાલુકા સંઘનાં હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની આગામી 5 મી ઓક્ટોબરનાં રોજ દિલ્હી મુકામે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં જૂની પેન્શન યોજનાનાં અમલીકરણ સંદર્ભે યોજાનાર ધરણાં કાર્યક્રમ તેમજ સોમનાથ ખાતેથી આરંભાયેલ શિક્ષાયાત્રાનાં 21 સપ્ટેમ્બરનાં રોજ કામરેજ ચાર રસ્તા ખાતે આગમન તથા તે દરમિયાનની સભામાં ભાગ લેવાનાં સુચારુ આયોજન ઉપરાંત 16 સપ્ટેમ્બરનાં તાલુકા કક્ષાએ સામૂહિક મિણબત્તી પ્રજ્વલન તથા થાળી રણકારનાં કાર્યક્રમ સંદર્ભે અગત્યની કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોનાં પ્રશ્નોને વાચા આપવા આપણું સંગઠન હરહંમેશ પ્રયત્નશીલ છે અને રહેશે. તેમણે તાલુકાનાં શિક્ષકોનાં અન્ય પડતર પ્રશ્નો બાબતે વિગતવાર છણાવટ કરી હતી.
બેઠકની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રારંભે સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને આવકારી બેઠકનાં એજન્ડાનું વાંચન કર્યું હતું. સદર બેઠકમાં ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા જૂની પેન્શન યોજનાનાં અમલીકરણ સંદર્ભે સરકારશ્રીનું ધ્યાન દોરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘડી કાઢવામાં આવેલ વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા બાબતે વિશેષ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વશ્રી પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ ચિરાગ પટેલ, બ્રિજેશ પટેલ, રાજેશ પટેલ તથા પરેશ પટેલ, નાણાંમંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ ઉપરાંત તાલુકા સલાહકાર સમિતિનાં કન્વીનર મહેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other