તાપી જિલ્લા પંચાયત સામાન્ય સભા અને કારોબારી સભામાં ચંદ્રયાન-૩ મિશનને બિરદાવાયું
આપણાં દેશના વૈજ્ઞાનિકોના અથાગ પરિશ્રમ અને તેમની બુધ્ધિ પ્રતિભાના કારણે નવા ભારતનો સૂર્યોદય છે. આપણે પૃથ્વી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સાકાર કર્યો, ભારત હવે ચંદ્ર પર છે – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬- ભારત દેશના ચંદ્રયાન-૩ મિશને મેળવેલ ભવ્ય સફળતાને આજરોજ તાપી જિલ્લા પંચાયત સામાન્ય સભા અને કારોબારી સભામાં આપણાં વૈજ્ઞાનિકોની આ ઐતિહાસિક સિધ્ધિની પ્રસંશા કરીને દેશના આ ગૌરવને ઠરાવ પસાર કરીને સફળતાને બિરદાવવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ,ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં વૈશ્વિક મંચ પર ભારતની પ્રગતિને દબદબાભેર વધાવવામાં આવી હતી.
જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓએ ઈસરોના પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રની ધરતી ઉપર દક્ષિણધ્રુવ નજીક ચંદ્રયાન ઉતારનાર ભારત દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જે ઐતિહાસિક સિધ્ધિ કહી શકાય. ઝડપથી બદલાતી ટેકનોલોજી અને નવીનતાના આ યુગમાં આપણાં વૈજ્ઞાનિકો જ્ઞાન સમર્પણ અને કુશળતાનું ઉદાહરણ છે. નવી શોધો પ્રત્યેની પ્રતિબધ્ધતા દેશને વિજ્ઞાનના ક્ષેત્રમાં સતત આગળ લઈ જઈ રહી છે. સર્વશ્રેષ્ઠ કાર્ય કરવાની ભાવના અને પડકારો સામે લડવાની હિંમતે સમગ્ર વિશ્વમાં તેમનું સન્માન વધાર્યું છે.
ભારતના સ્પેશ પ્રોગ્રામમાં મહિલા વૈજ્ઞાનિકોનો પણ અમૂલ્ય ફાળો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના ભારતીય અવકાશ કાર્યક્રમ પ્રત્યેના વિઝન અને નેતૃત્વ માટે જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ તેમને અભિનંદન આપે છે. તેમના નેતૃત્વમાં માનવજીવનના કલ્યાણ માટે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. તેમના અતુટ વિશ્વાસ સાથે આપણાં વૈજ્ઞાનિકો શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.
૦૦૦૦૦૦૦૦૦૦