તાપી જિલ્લામાં સર્પદંશ ચિકિત્સા જાણકારી શિબિર યોજાઈ
જિલ્લામાં સર્પદંશ ની ઘટના બાદ ઘણા લોકો હોસ્પિટલને બદલે ભુવા-ભગત પાસે લઈ જતા હોવાથી તેઓને પોતાના સ્વજનનું અમૂલ્ય જીવન બચાવવા તાત્કાલિક નજીકના સરકારી દવાખાને સારવાર માટે લઈ જવા જરૂરી:વી એન શાહ,કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી-તાપી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૨: તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત તાપી અને વન વિભાગ વ્યારાના સંયુક્ત ઉપક્રમે તથા સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત અને મીડિયા પાર્ટનર તાપી સમાચાર સાપ્તાહિકના સહયોગથી સર્પદંશ ચિકિત્સા જાણકારી શિબિર યોજાઇ હતી.
આ પ્રસંગે તાપી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા તબીબી અધિકારીશ્રીઓને તેમજ સ્થાનિક તબીબી અધિકારીશ્રીઓને સ્નેક રિસર્ચ ઇન્ટીટ્યુટ ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉંડેશન ઓફિસ ડેપ્યુટી. વન સંરક્ષક વલસાડ અને સાઇનાથ હોસ્પીટલ ધરમપુરના ડૉ.ડી.સી.પટેલ દ્વારા સ્નેક બાઇટ ટ્રીટમેન્ટ અવેરનેશની તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડૉ.ડી.સી.પટેલે ઝેરી અને બીન ઝેરી સાફની ઓળખ અંગે, સાપ કરડે તો આપવાની પ્રાથમિક સારવાર અને આરોગ્ય લક્ષી જરૂરી સારવાર અંગે વિગતવાર માહિતી આપી હતી. તથા સાથે ઉમેર્યું હતું કે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમન ૧૯૭૨ હેઠળ સાંપને પકડવો, મારવો કે તેના સાથે કોઇ પણ રીતના ચેડા કરવા તેમજ તેની સાથે ફોટોગ્રાફિ કરી સોશિયલ મીડીયા પર વાયરલ કરવું ગંભીર ગુનો ગણાય છે.
જિલ્લા કલેક્ટરશ્રી વી.એન.શાહે આ પ્રસંગે તમામને અભિનંદન પાઠવતા આ પ્રકારની વધુમાં વધુ તાલીમો યોજવા અને નાગરિકોને જાગૃત કરવા જણાવ્યું હતું. તેમણે સૌ ડોક્ટર્સને ખાસ જણાવ્યું હતું કે, આ તાલીમ મેળવ્યા બાદ તાપી જિલ્લામાં સર્પદંશથી કોઇનું મૃત્યુના થાય તેવા પ્રયાસો આપણા હોવા જોઇએ. તેમણે આ તાલીમ અંગે દરેક પીએચસી સીએચસીના તમામ કાર્મચારીઓને આ અંગે માર્ગદર્શન આપવા અને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. તથા જિલ્લામાં સર્પદંશની ઘટના બાદ ઘણા લોકો હોસ્પિટલને બદલે ભુવા-ભગત પાસે લઈ જતા હોવાથી તેઓને પોતાના સ્વજનનું અમૂલ્ય જીવન બચાવવા તાત્કાલિક નજીકના સરકારી દવાખાને સારવાર માટે લઈ જવા જરૂરી છે એમ ઉમેર્યું હતું.
પત્રકારત્વની સાથે સાથે વર્ષોથી જીવદયાની સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત અને સમગ્ર કાર્યક્રમના આયોજન માટે નું બીડું ઉઠાવી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આયોજન કરનાર શ્રી અલ્પેશ દવે તાપી જિલ્લામાં વધતા સર્પદંશના કેસોને પગલે નાગરિકોને આ અંગે જાગૃત કરવા આ આભિયાન ઉપડ્યા અંગે માહિતી આપી હતી. તથા આગામી સમયમાં તાલુકા અને ગ્રામ્યકક્ષાએ પણ સર્પદંશ ચિકિત્સા અંગે જાગૃતિ શિબીરો યોજવા અંગે જિલ્લા તંત્રને અનુરોધ કરી સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી.
તાલીમ બાદ તમામ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં ડૉ.કિર્તી ચૌધરી, ડૉ.યોગેશ પટેલ, સરીસૃપ સંરક્ષણ સોસાયટીના ટ્રસ્ટી અને ઓફિશિયલ મીડિયા પાર્ટનર તાપી સમાચાર સાપ્તાહિક ના ચીફ રિપોર્ટર અબરાર મુલતાની,તેમજ અન્ય સેવાભાવી મહાનુભાવો ભાવેશ પટેલ,ચિંતન મહેતા,ઇમરાન વૈદ,વિવિધ પીએચસી-સીએચસીની તબીબો તથા જીવદયા અને સરિસૃપ સંરક્ષણ સોસાયટી સુરત અને તાપીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
0000000