કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે વિશ્વ નારિયેળી દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા તા. ૦૨/૦૯/૨૦૨૩ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા અને અસ્પી કોલેજ ઓફ હોર્ટીકલચર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ નારિયેળી દિવસ નિમિત્તે “નારિયેળીમાં મૂલ્યવર્ધન અને રેસામાંથી વિવિધ બનાવટો” વિષય ઉપર કેન્દ્રીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના કુલ ૬૦ થી વધુ આદિવાસી ખેડૂત ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન. કૃ. યુ., નવસારી, ડૉ. એન. એમ. ચૌહાણએ સર્વે ખેડૂત મિત્રોને વિશ્વ નારિયેળ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નારિયેળી એક નવીનતમ પાક છે અને આ પાક થકી ખેતી સાથે વધારાની આવક મેળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. હાલમાં પ્રવર્તમાન ખેતીમાં નવીન કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડી, આવક વધારવા ખેડૂતોને આહવાન કર્યું હતું. ડૉ. ચૌહાણએ કેવીકે- તાપીના વિવિધ કૃષિલક્ષી વિસ્તરણ કાર્યોને બિરદાવ્યા હતા અને ખેડૂતોને પ્રોત્સાહન માટે નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા આપવામાં આવનાર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાંથી બેસ્ટ ઈનોવેટિવ ફાર્મર એવોર્ડ વિશેની જાણકારી આપી હતી. ડૉ. અલ્કા સિંઘ, ડીન અને આચાર્ય, અસ્પી કોલેજ ઓફ હોર્ટીકલચર, ન. કૃ. યુ., નવસારી દ્વારા નારિયેળમાં રહેલા પોષક તત્વો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. વધુમાં તેમણે નારિયેળીના રેસામાથી વિવિધ આર્ટિકલ બનાવી, વેસ્ટ મેનેજમેન્ટ કરી આવક મેળવી શકે એ માટે ખેડૂત મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ડો. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે-તાપી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. પંડ્યાએ નારિયેળીનું મહત્વ અને તેના મૂલ્યવર્ધન થકી આદિવાસી બહેનો સારી આવક મેળવી શકે એવા વ્યવસાયલક્ષી અવકાશ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
ડૉ. જીલેન માયાણી, મદદનીશ પ્રાધ્યાપક, પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગ, બાગાયત કોલેજ, ન. કૃ. યુ., નવસારી દ્વારા નારિયેળીના મૂલ્યવર્ધન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) એ નારિયેળના રેસામાથી વિવિધ બનાવટો વિશે ટેકનિકલ માર્ગદર્શન આપ્યું હતું અને વધુમાં તેમણે કેવીકે ખાતે તાલીમ લઈ નારિયેળી ના રેસામાથી વિવિધ આર્ટિકલ અને ગણેશજીની મૂર્તિ બનાવતી મહિલાઓની સાફલ્ય ગાથા વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો અને વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા કેવિકે કેમ્પસ ખાતે નારિયેળી રોપવામાં આવી હતી અને ઉપસ્થિત ખેડૂતોને નારિયેળીના રોપાઓ તથા શાકભાજીના કેરેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ. પંકજ ભાલેરાવ, મદદનીશ પ્રધ્યાપક, બાગાયત કોલેજ, ન. કૃ. યુ., નવસારી દ્વારા કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી.
કાર્યક્રમના અંતે વનવિભાગ તાપી દ્વારા સહ્યાદ્રિ વન ઉત્પાદન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે જેમાં વન વિભાગ દ્વારા બોરખડી ગામના સખી મંડળને કાયમી ધોરણે દુકાન ફાળવવામાં આવેલી છે જેમાં નજીકના સમયમાં ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે બોરખડી ગામની મહિલાઓએ નારિયેળના રેસામાંથી ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવીને વેચાણ કરી રહી છે. તેમના સ્થળે નવસારી કૃષિ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓએ મુલાકાત લઈ તેઓની કામગીરીને બિરદાવી હતી.