સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજયનાં તમામ કર્મચારીઓનાં હિતમાં કેટલાંક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે સરકારશ્રી દ્વારા બનાવાયેલ પાંચ મંત્રીશ્રીઓની કમિટી સાથે તા.૧૬/૦૯/ર૦રર નાં રોજ મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં મહદ્અંશે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું. થયેલ સમાધાન મુજબનાં મુખ્ય ત્રણ પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરમસદ ખાતેની સંકલન સભામાં ઘડી કાઢવામાં આવેલ નિયત કાર્યક્રમ મુજબ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં આદેશથી જિલ્લા કક્ષાએ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અધિક નિવાસી કલેકટર ઝાલા સાહેબને રાજ્યનાં મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સદર આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમારી મુખ્ય ત્રણ માંગણીઓ (૧) તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત (૨) તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦% ને બદલે ૧૪% ફાળો ઉમેરવામાં બાબત (૩) ૪૫ વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાં મુકિત આપવી અને લાભ આપવા. આ બાબતે જે પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવા બાબત. સમાધાનમાં નકકી થયેલ આ મુખ્ય ત્રણ માંગણીઓનાં ઝડપી નિરાકરણ સંદર્ભે અમો સહયોગ અને ઉચિત કાર્યવાહીની અપેક્ષા સાથે સમગ્ર શિક્ષક આલમ તથા કર્મચારી આલમ વતી આજરોજ આ આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, રીનાબેન રોઝલિન, અનિલભાઈ ચૌધરી સહિત જિલ્લા સંઘનાં અન્ય હોદ્દેદારો આ આવેદનપત્ર પાઠવવા ઉપસ્થિત રહ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.