વેડછી ખાતે કલા,સાહિત્ય અને સંગીતને સમર્પિત ‘સાહિત્ય સેતુ’ની ૧૯ મી કાવ્યગોષ્ઠિ યોજાઈ
“સાહિત્ય સેતુ,વ્યારાની ૧૯મી કાવ્યગોષ્ઠિ યોજાઈ”
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૧ કલા,સાહિત્ય અને સંગીતને સમર્પિત ‘સાહિત્ય સેતુ’ની ૧૯ મી કાવ્યગોષ્ઠિ વેડછી મુકામે યોજાઈ હતી. દક્ષિણાપથ વિદ્યાલયના આચાર્યશ્રી અને સાહિત્ય સેતુના ઉપપ્રમુખશ્રી આશિષ શાહના યજમાનપદે એમના નિવાસ સ્થાન પર બાર જેટલા નીવડેલા અને નવોદિત કવિઓએ ગીત, ગઝલ અને અછાંદસ કૃતિઓથી શ્રોતાઓને કાવ્યરસમાં તરબોળ કર્યા હતા.
જાણીતા સર્જક અને વિવેચક શ્રી મોહન મઢીકરનું સ્વાગત ખજાનચીશ્રી ચંદ્રસિંહ ચૌધરીએ કર્યું હતું. શ્રી મોહનભાઈએ પોતાના વક્તવ્યમાં નવોદિતો માટે ઉપયોગી ભાથું પરું પાડયું હતું અને ગીત રચના માટે સ્વરૂપગત પાયાની સમજ આપી હતી. પ્રખ્યાત કવિઓની રચનાઓના ઉદાહરણ આપીને રસપ્રદ ભાવાવરણ નિર્માણ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે જોડકણાં કરવાથી પ્રયાસ કર્યો કહેવાય પણ કવિતા નથી બનતી.
આપણાં કલ્પનાજગતમાં સ્વયંભૂ ઉદ્ભવતા અમૂર્ત શબ્દોને ટપકાવી લેવા પડે, અને ત્યારબાદ કવિકર્મ થકી સ્વયંના શબ્દભંડોળમાંથી શબ્દ ચૂંટીને અર્થસભર પંક્તિઓ રચવી પડે. પ્રથમ મુખડુ અને પછી અંતરા બનતા જાય. ગીત લયબદ્ધ હોય, ગેયતા હોય, ભાવની ગૂંથણી સાથે માર્મિક શબ્દચમત્કૃતિ ગીતને રસસભર બનાવે છે. ગાંધી વિદ્યાપીઠ, વેડછીના મંત્રી અને કેળવણીકાર ડૉ.અંજનાબહેન ચૌધરીએ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ઊપસ્થિત રહીને શુભેચ્છા વ્યક્ત કરી હતી.
ઊંચા શિખરના મારગ છે તો આકરા પણ રહેવાના,
જીવનમાં બસ થોડા અઘરા દાખલા પણ રહેવાના,
સત્તા ને સંપત્તિ જ્યારે, માથે જઈને બેસે તો,
હૈયાના દરવાજા થોડા, સાંકડા પણ રહે –
નૈષધ મકવાણા.
“संसार विष वृक्षस्य, द्वे फले अमृतोपमे ।
काव्यामृत रसास्वाद संगत सुजने: सह ।।”
સુભાષિતમાં કહ્યું છે કે સંસાર તો એક ઝેરના વૃક્ષ સમાન છે. પરંતુ એના ઉપર ફક્ત બે ફળ છે તે અમૃત સમાન છે. એક કાવ્યનો રસાસ્વાદ અને બીજું સજ્જનોની સંગત. આ બન્ને લાભ સાહિત્ય સેતુની કાવ્યગોષ્ઠિમાં મળ્યા.
કાર્યક્રમના અંતમા સંગીતજ્ઞ ઉષાબહેન મઢીકરના ગઝલ ગાયન અને છેલ્લે સ્વરુચિ ભોજન પછી કાર્યક્રમ સંપન્ન થયો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નૈષધ મકવાણાએ કર્યું હતું અને કાંતિભાઈ ચાવડાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
000