માતા પાસેથી છીનવાયેલા ૫ માસના બાળકને ફરી માતાને સોંપતી ૧૮૧ ટીમ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :: તા: 22 : આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં રહેતી એક પીડિત મહિલાએ ૧૮૧ પર કોલ કરી તેની આપવિતી વ્યક્ત કરતા મદદની માંગણી કરી હતી.
આ પીડિતાએ ૧૮૧ ટીમને જણાવેલ કે તેણીના લગ્નને ૨ વર્ષ થયા છે, અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ અલગ રહે છે. આ મહિલાના જણાવ્યા અનુસાર તેણીના પતિ રોજ દિવસ રાત દારૂનું વ્યસન કરી ઘરે આવે છે. મહિલા કંઈ પણ સમજાવવા જાય એટલે એમને ઘરમાથી કાઢી મુકવાની ધમકી આપતા, અને છૂટાછેડા આપવાની ધમકી આપતા હોવાથી તેઓ છેલ્લા ત્રણ દિવસથી, તેમના પિયરમાં જતા રહેલ, અને એ સમય દરમિયાન તેમના પતિ દારૂનું વ્યસન કરી તેમના ૫ માસના બાળકને લઈ નીકળી ગયેલ હતા, અને આ મહિલાને ધમકી આપી હતી કે ઘરે આવતી નહી, અને બાળક પણ આપીશ નહી.
જેથી તેણીએ ૧૮૧ની મદદ માંગી હતી. ૧૮૧ ટીમના કાઉન્સેલર દિપીકા ગામીત તેમજ કોસ્ટેબલ ચંદનબેને આવી તેમનું કાઉન્સિલિંગ કરી તેમના પતિને કાયદાકીય માહિતી સાથે સ્ત્રીના અધિકારો વિશે માહિતી આપી, અને બંને પક્ષને સમજાવી, બાળકને માતા પિતા સાથે રહેશે તેમ જણાવતા, પતિએ એની ભૂલ સ્વીકારી માફી માગેલ હતી, અને હવે પછી દારૂનું વ્યસન નહી કરે અને બાળક તેમજ પત્નીને સારી રીતે રાખશે જેની બાંહેધરી આપી હતી. આમ, ૧૮૧ ની ટીમ દ્વારા આ પરિવાર વચ્ચે સુખદ સમાધાન કરાવેલ છે.