ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં જીવનકૌશલ્યો આધારિત બાળમેળા યોજાયા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ પ્રેરિત જીવન કૌશલ્યો આધારિત બાળમેળાનું આયોજન તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવ્યું હતું.
બાળકોની સર્જનાત્મતા અને કૌશલ્યોની ખીલવણી થાય એવાં હેતુસર યોજાયેલ આ બાળમેળામાં દરેક શાળાનાં ધો.૧ થી ૮નાં બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાઓમાં એસ.એમ.સી. સભ્યો તથા વાલીજનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી અભિભૂત થયા હતાં.
આ પ્રસંગે તાલુકાનાં બી.આર.સી. કો. ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે શિવાજીનગર પ્રાથમિક શાળા, કીમ ખાતે ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી બાળકો હળવાશની લાગણી અનુભવે છે. તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને નવું પ્લેટફોર્મ મળે છે. જે થકી તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. ભવિષ્યમાં નવી કેડી કંડારવાનો માર્ગ મોકળો બને છે. આ બાળમેળા પ્રસંગે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે તમામ શાળાઓને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમ અંતર્ગત દરેક શાળાઓમાં બાળકો જે તે પ્રવૃત્તિઓનાં માર્ગદર્શક શિક્ષક, તજજ્ઞ, કારીગર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ફયુઝ બાંધવો, સ્કૂ લગાવવા, ટાયર પંચર બનાવવું, ભરતગૂંથણ, બાગબાની કરવી, વર્ગ સુશોભન, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, માટીકામ, કાગળકામ ઉપરાંત પ્રાથમિક સારવારનાં ડેમોટ્રેશનમાં ઉત્સાહભેર જોડાયા હતાં. તદઉપરાંત બાળકોને તજજ્ઞો દ્વારા પર્યાવરણ જાળવણી, સ્વચ્છતાનું મહત્ત્વ, વિવિધ ઉપકરણોનું સંચાલન, વ્યસનમુક્તિ, બેંક જેવાં વિવિધ વિષયોથી માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ સાથે શાળાઓમાં વિવિધ શૈક્ષણિક તેમજ વ્યવહારિક બાબતોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. અંતમાં બધી જ શાળાઓમાં બાળકો દ્વારા શું ગમ્યું ? શું ન ગમ્યું ? એ અંગે પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.