વ્યારા તાલુકાના ચીખલદા ગામેથી તાલુકા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.19: તાપી જિલ્લાથી “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમનાં રાજ્યવ્યાપી શુભારંભ બાદ સમગ્ર રાજ્યમાં માતૃભૂમિની આઝાદી માટે શહિદ થયેલા વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા અને તેઓની શહીદીને એ આવનાર પેઢી જાણી શકે તેવા ધ્યેયથી આગામી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
આ અન્વયે તાપી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા સાથે સેલ્ફી, વસુધા વંદન, વીરોને વંદન તથા ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન જેવા પંચવિધ કાર્યક્રમો ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયા બાદ તાલુકા કક્ષાના કાર્યક્રમોની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
તાપી જિલ્લામાં તાજેતરમાં વ્યારા તાલુકાના ચીખલદા ગામેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહના અધ્યક્ષસ્થાને તથા શ્રીમતિ જશુબેન વિરસીંગભાઈ ગામીત, તાલુકા પંચાયત વ્યારાના પ્રમુખશ્રી, શ્રી નિતિનભાઈ નીમાભાઈ ગામીત, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેનશ્રી શ્રીમતિ શિલીકાબેન દાઉદભાઈ ગામીત તાલુકા પંચાયતના સભ્યશ્રીની ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાનો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, ગ્રામ્યકક્ષાએ થી કળશ યાત્રાનો પ્રારંભ કરી યુવાનો તાલુકા કક્ષા ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ સ્થાનિક યુવાનો આ કળશ લઇને આગામી તા.૨૯ તથા ૩૦માં દિલ્હીમાં યોજાનારા વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. મુખ્ય કાર્યક્રમમાં સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાના સાત તાલુકાઓમાંથી પણ માટીનો કળશ લઇને યુવાઓ દિલ્હીના કર્તવ્યપથ ઉપર યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે.
આ પ્રસંગે ગ્રામ્યકક્ષાના કાર્યક્રમમાંથી એકત્ર કરેલ માટીના કળશને તાલુકા કક્ષાએથી પ્રસ્થાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ કળશમાં એક મુઠ્ઠી માટી ઉમેરી કળશ યાત્રામાં ભાગીદારી નોંધાવી હતી.
આ તમામ પ્રવૃતિઓમાં ઉચ્ચ અધિકારીઓથી લઇ ગામના તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતાં.
0000