જિલ્લા આયોજન મંડળ, પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી સહિત જુના બેજગામના પ્રશ્નો અંગે પ્રભારી મંત્રીશ્રીએ સમીક્ષા કરી
તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ યોજનાકીય કામોની સમિક્ષા બેઠક યોજાઇ
માણસ સ્વસ્થ હશે તો સાધન સુવિધાનો લાભ લઇ શકશે. માણસ સ્વસ્થ ના હોય તો કોઇ સુવિધા કામ આવતી નથી: આરોગ્ય ક્ષેત્રે વિશેષ કાળજી લેવા અનુરોધ કરતા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.17- રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ, પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી સહિત જુના બેજગામના પ્રશ્નો અંગે સમિક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે વિવિધ કામોની સમિક્ષા કરતા જણાવ્યું હતું કે, તમામ કામો ગુણવત્તા યુક્ત હોય તથા આયોજનમાં લીધેલા તમામ કામો ડુપ્લીકેશન ના થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે આદિમજુથ, હળપતિ છ પાયાની સુવિધાની યોજના, એફ.આર.એ., ન્યુક્લિયસ બજેટ, બોર્ડર વિલેજ તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના કામો સહિત જિલ્લા આયોજન કચેરી હેઠળ આયોજન મંડળના વિવિધ કામો અને વિકાસશીલ તાલુકાના આયોજન અંગે વિસ્તૃત સમિક્ષા કરી હતી.
તેમણે જુના બેજના પ્રશ્નોને સંવેદનશિલતાથી અને વિશેષ કામ સમજી પાર પાડવા અધિકારીઓને સુચનો કર્યા હતા. મંત્રીશ્રીએ જુના બેજગામના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠકમાં ટીડીઓ અને મામલતદરશ્રીઓને સ્પેશિયલ કેમ્પનું આયોજન કરી તમામ આધાર પુરાવાઓ તૈયાર કરી આપવા, મત્સ્ય વિભાગને મંડળીમાં ગ્રામજનોને સામેલ કરવા, બ્રિજના નિર્માણ, આંગણવાડી અને વિજ કનેકશનના કામને આગળ ધપાવવા જણાવ્યું હતું.
આ ઉપરાંત આગામી સપ્ટેમ્બર મહિનામાં જિલ્લામાં ટીબી-સિકલસેલ સહિત વિવિધ રોગોના દર્દીઓ માટે સંપૂર્ણ નિ:શુલ્ક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવા માટે આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્ર સાથે ચર્ચા કરી હતી. સાથે ઉમેર્યૂં હતું કે, આદિવાસી સમાજની સેવા માટે આ કેમ્પનું આયોજન કરવાનું છે. માણસ સ્વસ્થ હશે તો સાધન સુવિધાનો લાભ લઇ શકશે. માણસ સ્વસ્થ ના હોય તો કોઇ સુવિધા કામ આવતી નથી એમ કહી આરોગ્ય ક્ષેત્રે વિશેષ કાળજી લેવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગે મંત્રીશ્રીના તમામ સુચનોને પ્રાધાન્ય આપી તાકીદે કામગીરી પૂર્ણ કરવા વિવિધ વિભાગોને સુચનો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ, પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, ડી.એફ.ઓ. શ્રી પુનીત નૈયર, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦