તાપી : રાયગઢ ખાતે જિ. પં. પ્રમુખના હસ્તે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના રાયગઢ ગામ ખાતે આવેલ રાજીવ ગાંધી ભવનમાં તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્પર્શ ફાઉન્ડેશન શ્યામ વાટિકા વ્યારા અને ગામના શિક્ષિત અને સરકારી જોબ કરતા યુવાનોની ભાગીદારીથી બાળકોને જીપીએસસી, યુપીએસસી, ટેટ, ટાટ , તલાટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ શકે તે હેતુથી રાયગઢ ગામ ખાતે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ, વડીલો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરીને તાપી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા સાહેબની અધ્યક્ષતા હેઠળ ગ્રામ પુસ્તકાલય રાયગઢનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્શ ફાઉન્ડેશન તરફથી બીપીનસાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાળકોને વધુ સુવિધા યુક્ત લાઇબ્રેરી ઉપલબ્ધ થાય તે માટે ખાતરી આપવામાં આવી હતી. લાઇબ્રેરીને ત્રણ લાખ રૂપિયા જેટલી સહાય સરકાર તરફથી મળી રહે તે માટે ખાતરી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા તરફથી આપવામાં આવી હતી. લાયબ્રેરીનુ મેનેજમેન્ટ કરવામાં રાયગઢ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શૈલેષકુમાર કે. વસાવા અને ગામના જાગૃત યુવાન રીતેશભાઈ શાંતિલાલભાઈ પાડવીએ સમગ્ર આયોજન તેમજ ફંડ ભેગું કરી લાઇબ્રેરીની શરૂઆત કરવાની કામગીરી કરી સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગામના સરપંચશ્રી શરદભાઈ નાઇક ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ગ્રામજનો વતી બાળકોને તમામ સુવિધાઓ લાયબ્રેરીમાં મળી રહે તેના માટે ખાતરી આપવામાં આવી હતી.