સુરત શહેરને અડીને આવેલ સાંઇ ધામ સરોલીની સરકારી પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : કહેવાય છે કે જે દાન કરી શકે એજ ધનનાં માલિક છે, બાકી બધાં ધનનાં ચોકીદાર હોય છે. સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્વ બતાવ્યું છે. દાન આપનારનું સ્થાન સમાજમાં ખૂબ ઊંચું હોય છે. આ વાતનો મર્મ સમજનારા ઓલપાડ તાલુકાનાં સરોલી ગામનાં વતની નગીનભાઈ મોહનભાઈ પટેલ કે જેઓ એક પોલીસ કર્મચારી છે. જેમનાં દ્વારા પોતાનાં માદરેવતનની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરોલી પ્રાથમિક શાળાનાં પટાંગણમાં નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામનાં સરપંચ, ઉપસરપંચ, સાંઇ ટ્રસ્ટ મંડળનાં ઉપપ્રમુખ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, ગ્રામ પંચાયતનાં સભ્યો, ગામનાં અગ્રણીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રારંભે પ્રાર્થના અને પુષ્પગુચ્છ અર્પણ વિધિ બાદ શાળાનાં આચાર્ય ભરતભાઈ ટેલરે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે દાન આપનારનાં ઘરમાં ધન નહીં પરંતુ લક્ષ્મીજીનો વાસ હોય છે. તેમને આજીવન સુખ, સમૃદ્ધિ અને શાંતિ સાંપડતી હોય છે.
નોટબુકનાં દાતા નગીનભાઈ પટેલે બાળકોને પોતાનાં હસ્તે નોટબુક વિતરણ કર્યા બાદ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં બાળકોને જણાવ્યું હતું કે મેં આજ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. આજે હું માનભેર નોકરી કરું છું. તો તમે પણ આજ શાળામાં સારો અભ્યાસ કરી સમાજમાં ઊંચું સ્થાન મેળવો એવી આ તબક્કે આશા રાખું છું. અંતમાં શાળાનાં આચાર્યએ દાતા નવીનભાઈ પટેલ તથા આ સદકાર્યમાં સહકાર આપનાર ઉપસરપંચ રાકેશભાઈ પટેલનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.