સાપુતારા વિકાસ સમિતિના સભ્યો સાથે સંવાદ સાધતા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા
પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તથા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ પણ રહ્યા ઉપસ્થિત
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : : તા: ૩૦: ગિરિમથક સાપુતારાના વિકાસમાં સ્થાનિક હોટલ એશોસિએશન અને સાપુતારાના અગ્રણી નાગરીકોની પણ સહભાગીદારી જરૂરી છે, તેમ જણાવતા રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ, ગિરિમથક ખાતે પ્રવાસન સમિતિના સભ્યો તથા હોટલ એસોશિએસનના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો.
હોટલ તોરણ હિલ રિસોર્ટ્સના કોન્ફરન્સ હોલમાં ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩’ ના ઉદ્ઘાટન પૂર્વે પ્રજાકિય વિવિધ કાર્યોમાં લોકભાગીદારી પણ એટલી જ જરૂરી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું.
દરમિયાન ડાંગના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ ગિરિમથકની સ્વચ્છતા જેવા કાર્યોમાં પણ સ્થાનિક જનભાગીદારી સુનિશ્ચિત કરે તે ઇચ્છનિય છે તેમ જણાવી, સાપુતારા સહિત સમગ્ર ડાંગના પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે હોટલ સંચાલકોને ગિરિમથકના પર્યટન સ્થળો લોક ભાગીદારીથી વિકાસ માટે દત્તક આપવાનો વિચાર રજૂ કર્યો હતો.
હોટલ એસોશિએસનના સેક્રેટરી શ્રી તુકારામ કરડીલે તથા સમિતિ સભ્ય સુશ્રી રમિલાબેને સ્થાનિક પ્રશ્નો થી મહાનુભાવોને અવગત કરાવ્યા હતા.
બેઠકમાં કલેક્ટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, નાયબ વન સંરક્ષકો સર્વ શ્રી રવિ પ્રસાદ તથા દિનેશ રબારી, રાજ્યના હોદ્દેદારો, TCGL ના મેનેજર શ્રી ભીમભાઈ પરમાર સહિતના ઉચ્ચાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
–