ડાંગ જિલ્લામાં મેઘ મહેર : છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો ૧૫૯ મી.મી. વરસાદ
બપોરે બાર વાગ્યાની સ્થિતિએ જિલ્લાના નવ માર્ગો અવરોધાયા : ૧૨ ગામો પ્રભાવિત થયા
–
લિંગા ગામે એક પાડો તણાયો
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨૭: ડાંગ જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન પડેલા સારા વરસાદ બાદ સવારે ૬ થી આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સાંજના ૪ વાગ્યા સુધી બીજો સરેરાશ ૨૭ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. જેની સાથે અહીં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૫૯ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.
ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર પાછલા દસ કલાકમાં ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૧૨ મી.મી. (મોસમનો કુલ ૧૦૪૧ મી.મી.) વઘઇ તાલુકાનો ૧૮ મી.મી. (મોસમનો કુલ ૧૦૯૧ મી.મી.), અને સુબિર તાલુકનો ૫૧ મી.મી. (મોસમનો કુલ ૮૩૬ મી.મી.) વરસાદ થતાં અહીં છેલ્લા દસ કલાકમાં સરેરાશ ૨૭ મી.મી. (મોસમનો કુલ ૯૮૯.૩૩ મી.મી.) વરસાદ નોંધાયો છે.
દરમિયાન આજે બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ જિલ્લાના વઘઇ તાલુકાના (૧) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (૨) આંબાપાડા વી.એ.રોડ, (૩) ખાતળ ફાટકથી ધોડી રોડ, (૪) ખાતળ-માછળી રોડ, (૫) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, અને માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (૬) પાતળી-ગોદડિયા રોડ, (૭) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ તથા (૮) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ ઓવર ટોપિંગને કારણે બંધ થવા પામ્યા છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકોને આ માર્ગોનો ઉપયોગ ન કરતા, સૂચવેલ વૈકલ્પિક માર્ગના ઉપયોગ માટે અપીલ કરવામાં આવી છે.
વરસાદને કારણે ડાંગના નદી, નાળા અને કોતરોમાં વરસાદી પાણી વધતા આહવા તાલુકાના લિંગા ગામના પશુપાલકનું શ્રી રમેશભાઈ માહરુભાઈ પવારની માલિકીનો એક પાડો તા.૨૭ની સવારે ૬ થી ૬:૩૦ ના સમયગાળા દરમિયાન પાણીમાં તણાઈ જતા તેનું મૃત્યુ થવા પામેલ છે.
આ વરસાદને પગલે જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા, અને ગીરા નદીઓ બે કાંઠે વહી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર હેઠવાસના જિલ્લાઓ સાથે સંપર્ક સેતુ જાળવી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ સ્વયં જિલ્લાની સ્થિતિ ઉપર સતત નજર રાખી, તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
–