તાપી જિલ્લાનો પ્રથમ પાઇલોટ પાર્થ રાઠોડ

Contact News Publisher

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતી)ની કમર્શિયલ પાયલોટ લોન સહાય યોજના અંતર્ગત રૂપિયા ૨૦ લાખનો મંજુરી આદેશ મળતા તાપી જિલ્લાનો પ્રથમ પાઇલેટ બનશે પાર્થ રાઠોડ

પાયલોટ લોન સહાય યોજનાના રૂપિયા ૨૦ લાખ અને વિદેશ અભ્યાસ લોનના મંજુરી પત્રો એનાયત કરતા જિ.પં.પ્રમુખ શ્રી સુરજ વસાવા

”મારા સપનાઓને પાંખો મળી છે હું ઉડી શકુ છું.”: ભાવિ પાઇલોટ પાર્થ રાઠોડ

માહિતી બ્યુરો,તાપી તા.21: ‘સપનાઓને પાંખ નથી હોતી, પરંતુ મારા સપનાઓને પાંખ મળી છે, અને હું ઉડી શકું છું.’ આ શબ્દો છે તાપી જિલ્લાના પ્રથમ ભાવિ પાઇલોટ પાર્થ મહેશભાઇ રાઠોડના. જેને તાપી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી)ની કચેરી હેઠળની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતીના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટે ૪ ટકા સાદા વ્યાજના દરે ૨૦ લાખની સહાય આપવામાં આવી છે. જેના થકી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના પાર્થ રાઠોડ તાપી જિલ્લાનો પ્રથમ પાઇલોટ બનવાનું સ્વપ્ન સાકાર કરી રહયો છે, અને પોતાના પરિવાર અને સમાજ સહિત સમગ્ર તાપી જિલ્લા માટે દિશાસુચક બન્યો છે.

તાપી જિલ્લાના વ્યારાના વતની પાર્થ રાઠોડ સ્કાયનેક્ષ ફ્લાઇટ ટ્રેઇનિંગ ઓર્ગેનાઇઝેશન-જલગાંવ સેન્ટર ખાતે ટ્રેઇની પાઇલોટ છે. પોતે ૨૦૦ કલાકની તાલીમમાંથી ૧૩૦ કલાકની તાલીમ સફળતા પુર્વક પાસ કરી છે. બાકીના ૭૦ કલાકની તાલીમ પુરી કર્યા બાદ કમર્શિયલ પાઇલેટ તરીકેનું લાઇસન્સ મળશે.

સમગ્ર તાપી જિલ્લા માટે દિશાસુચક બન્યો પાર્થ રાઠોડ:

પોતાના સ્વપ્ન અંગે તાપી જિલ્લા માહિતી ખાતા સાથે ચર્ચા કરતા પાર્થએ જણાવ્યું હતું કે, “હું છઠ્ઠામાં ભણતો હતો ત્યારે વેકેશનમાં નાનીના ઘરે ગયો હતો. ત્યાં પાડોશમાં એક પાઇલોટ અંકલને તેમના યુનિફોર્મમાં જોઈને મને રોમાંચક લાગ્યું. મે તેમને આ અંગે પુછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, હું એક પાઇલોટ છું. હું વિમાન ચલાવું. તેમની પુરી વાત સાંભળીને મને ખુબ પ્રોત્સાહન મળ્યું અને મેં ત્યારે જ નક્કિ કરી લીધું કે હું મોટો થઇને પાઇલોટ જ બનીશ.

પાર્થએ વધુમાં ઉમેર્યું કે, પાઇલોટ બનવાના ધ્યેય સાથે મે 11-12માં મેથ્સ લીધું. ત્યાર બાદ જયારે મેં મમ્મી પાપાને આ અંગે જણાવ્યું તો તેમણે મને ખુબ સપોર્ટ કર્યો. તેમણે મને પોતાના સ્વપ્નને પુરૂ કરવા ખુબ મહેનત કરવા કહ્યું, અને પૈસાની ચિંતા બીલકુલ ન કરવા કહ્યું.

ત્યાર બાદ અમને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી)ની કચેરી અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતીના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટે આપવામાં આવતી સહાય અંગે માહિતી મળી. જેથી અમે કચેરીનો સંપર્ક કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી. અને અમને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી તથા સ્ટાફ દ્વારા હકારાત્મક પ્રતિભાવો મળ્યા. જેના થકી અમે ફી બાબતે પણ નિશ્ચિંત થયા છીએ.

પાર્થએ વધુમાં ઉમેર્યું કે, હું તાપી જિલ્લાનો પ્રથમ પાઇલોટ બનીશ એ જાણીને મને ખુબ જ ગર્વ થાય છે. સમગ્ર ભારતનો બીજો સ્ટુડન્ટ પાઇલેટ છું. જે પાઇપર આર્ચર (પીએ-28-181) એરક્રાફ્ટ ફલાઇ કરે છે જે આખા દેશમાં પહેલી વાર આ એરક્રાફ્ટ ઉપલબ્ધ થયું છે.

અંતે પાર્થએ કૃતજ્ઞતા વ્યક્ત કરતા પોતાના સ્વપ્નને પુરૂ કરવામાં સારથિ બનનાર ગુજરાત રાજ્ય સરકારશ્રીની યોજના અને તાપી જિલ્લા તંત્ર સહિત માતા-પિતા અને સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમારા દિકરાના સ્વપ્નને સાકાર કરવા માટે અમે સરકારશ્રીના આજીવન આભારી રહીશું.-પાર્થના માતાપિતા.

સમગ્ર તાપી જિલ્લા માટે પ્રેરણારૂપ બનેલા પાર્થના માતા શ્રીમતી મોનાબેન અને પિતા શ્રી મહેશભાઇ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, સરકારશ્રીની યોજના ન હોત તો અમને પૈસે ટકે ઘણી તકલીફ પડતી. પરંતું જિલ્લા સમાજ કલ્યાણની આ યોજનાના કારણે અમારે કોઇ આગળ પૈસા માટે હાથ નથી લંબાવો પડ્યો. મારા દિકરાએ પણ ખુબ મહેનત કરી અને સરકારશ્રીની સહાય મળી જેથી અમારો દિકરો તાપી જિલ્લાનો સૌ પ્રથમ પાઇલોટ બનશે. અમારા દિકરાના સ્વપ્નને સાકાર કરવા માટે અમે સરકારશ્રીના આજીવન આભારી રહીશું.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી) અંતર્ગત વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ દ્વારા હાથ ધરાય છે સર્વાગી વિકાસની પ્રવૃત્તિઓ

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી) શ્રી જયદિપ ચૌધરીએ સમાજ કલ્યાણની વિવિધ યોજનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્‍યાણ ખાતા દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો, આર્થિક રીતે પછાતવર્ગો, લઘુમતીઓ અને વિચરતી- વિમુકત જાતિઓના શૈક્ષણિક, આર્થિક ઉત્‍કર્ષ, તેમજ આરોગ્‍ય, ગૃહનિર્માણ અને સામાજિક ઉત્‍કર્ષ જેવી વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ દ્વારા સર્વાગી વિકાસની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

જેમાં શૈક્ષણિક યોજના અને વ્યક્તિલક્ષી યોજના કાર્યરત છે. શૈક્ષણિક યોજના અંતર્ગત પ્રિ મેટ્રિક સ્કોલરશીપ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ (PM YASASVI), વિદેશ અભ્યાસ લોન, કોમર્શિયલ પાયલોટ તાલીમ સહાય, સરસ્વતી સાધના યોજના જેવી વિવિધ યોજનાઓ જ્યારે વ્યક્તિલક્ષી યોજનાઓમાં કુંવરબાઇ મામેરું યોજના, જાતિ પ્રમાણપત્ર, માનવ ગરિમા યોજના, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના જેવી જનકલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે.

તાપી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીએ સમગ્ર તાપી જિલ્લાના નાગરિકોને સરકારશ્રીની જનહિતની વિવિધ યોજનાઓનો લાભ લેવા અને વધુ માહિતી માટે બ્લોક, ૪ પહેલે માળ, જિલ્‍લા સેવાસદન, પાનવાડી, વ્‍યારા જિ. તાપી અથવા ફોન નં. (૦૨૬૨૬) ૨૨૦૩૨૪ ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે..

જિ.પં.પ્રમુખ શ્રી સુરજ વસાવાના હસ્તે વિવિધ લાભાર્થીઓને કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટે રૂપિયા ૨૦ લાખ અને વિદેશ અભ્યાસ માટેના ૧૫ લાખના મંજુરી હુકમો એનાયત કરાયા

નોંધનિય છે કે, તાજેતરમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજનાકિય મંજુરી પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ જિ.પં.પ્રમુખ શ્રી સુરજ વસાવાના હસ્તે તથા ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા સહિત જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિ.એન.શાહ સહિત મહાનુભાવોના હસ્તે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી)ની કચેરી અંતર્ગત કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટે પાર્થ મહેશભાઈ રાઠોડને રૂપિયા ૨૦ લાખનો મંજુરી હુકમ તથા કેયુર અશોકભાઈ રાણાને એમબીબીએસ માટે વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ અને હેલી વિજયભાઈ પટેલને હેલ્થ કેર એડ્મીનીસ્ટ્રેશન એન્ડ સર્વિસ મેનેજમેન્ટ માટે વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખના મંજુરી પત્રો એનાયત કરાયા હતા.

તાપી જિલ્લો જે છેવાડાનો જિલ્લો કહેવાય છે તે ખરેખર છેવાડાનો જિલ્લો નથી રહ્યો પરંતું દરેક ક્ષેત્રે આગળની હરોળમાં સ્થાન મેળવી રહ્યો છે. જેનું કારણ પાર્થ, કેયુર અને હેલી જેવા યુવાધન છે જે તાપી જિલ્લાનું નામ દેશ વિદેશમાં રોશન કરી રહ્યા છે.

સંલકન-વૈશાલી પરમાર
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other