બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એસ દેસાઈનો વય નિવૃત્તિ વિદાયમાન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સમસ્ત બારડોલી સારસ્વત પરિવાર દ્વારા જે. એમ. પટેલ સાર્વજનિક વિદ્યાલય, બારડોલી ખાતે જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભાવેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને બારડોલીનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એસ. દેસાઈનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન ભાવિનીબેન પટેલ, બાંધકામ સમિતિનાં ચેરમેન રોહિતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપકભાઇ દરજી, તાલુકા પંચાયતનાં પ્રમુખ અંકિતભાઈ ચૌધરી, નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી રસીલાબેન રાયકા તથા સંસ્થાનાં પ્રમુખ-મંત્રી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ બારડોલી તથા અન્ય તાલુકા શિક્ષક સંઘનાં હોદ્દેદારો ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં.
મંચસ્થ મહાનુભાવોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. પ્રસંગોચિત ઉદબોધનમાં જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપકભાઇ દરજીએ એસ.એસ.દેસાઈની કામગીરીને બિરદાવી તેમને શેષ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. બાંધકામ સમિતિનાં ચેરમેન રોહિતભાઈ પટેલે નિવૃત થનાર એસ.એસ. દેસાઈની ઉત્તમ કામગીરી, અધિકારીઓ-પદાધિકારીઓ સાથેનું સંકલન અને એમની દીર્ઘદ્રષ્ટિની સરાહના કરી હતી.
અધ્યક્ષસ્થાનેથી બોલતાં જિલ્લાનાં પ્રથમ નાગરિક એવાં જિલ્લા પંચાયત, સુરતનાં પ્રમુખ ભાવેશભાઇ પટેલે શિક્ષણનાં વિવિધ પ્રવાહો, છેવાડાનાં જરૂરિયાતમંદ બાળકો સુધી શિક્ષણનો લાભ, શિક્ષણની વિવિધ યોજનાઓનું અમલીકરણ જેવાં ઉમદા વિઝન માટે એસ.એસ. દેસાઈની હકારાત્મક દૃષ્ટિની પ્રશંસા કરી હતી.
ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા શુભેચ્છકોનાં સન્માન સ્વીકાર્યા બાદ નિવૃત્ત થનાર એસ.એસ દેસાઈએ પોતાનાં બાળપણનાં સંઘર્ષમય જીવનની વાતો સાથે શિક્ષણ પ્રાપ્તિ તથા સેવાકાળ દરમિયાનનાં સંસ્મરણોને વાગોળી લોકોપયોગી અને બાળોપયોગી કરેલ કાર્યોને ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંતમાં આભારવિધિ બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી રજીતભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. આરંભથી અંત સુધી કાર્યક્રમનું સંચાલન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ શૈલેષભાઈ પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સારસ્વત ટીમ બારડોલીએ જહેમત ઉઠાવી હતી.