ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં બાળકોએ ચંદ્રયાન 3 લોન્ચિંગ કાર્યક્રમ નિહાળ્યો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો. આંધ્રપ્રદેશનાં શ્રી હરિકોટાથી ભારતનું મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ થયું છે. ભારતવર્ષની આ અદ્વિતિય અને યશસ્વી કીર્તિરૂપ ઘટનાને ચિરસ્થાયી બનાવવાનાં ભાગરૂપે ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં બાળકોને ચંદ્રયાન 3 લોન્ચિંગ કાર્યક્રમને લાઇવ નિહાળવાની સુંદર વ્યવસ્થા જે-તે શાળાનાં શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી. આ લાઇવ કાર્યક્રમને કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, જીણોદ, મોર મુખ્ય, મીરજાપોર સહિત કમરોલી, નઘોઇ, મીંઢી અને મોર બ્રાંચ પ્રાથમિક શાળાનાં બાળકોએ ખૂબ જ કુતુહલતાપૂર્વક નિહાળ્યો હતો.
આ પ્રસંગે કરંજ પ્રાથમિક શાળાનાં વિજ્ઞાન શિક્ષક નિલેશ પટેલ, મંદરોઇ પ્રાથમિક શાળાનાં યશુમતી પટેલ, પારડીઝાંખરી પ્રાથમિક શાળાનાં ભક્તિ પટેલ, મીરજાપોર પ્રાથમિક શાળાનાં ખૂશ્બુ દેસાઈ, મોર મુખ્ય પ્રાથમિક શાળાનાં દર્શના પટેલ તથા જીણોદ પ્રાથમિક શાળાનાં વિજ્ઞાન શિક્ષક ચિરાગ પટેલે સંયુક્ત રીતે સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા જણાવ્યું હતું કે ચંદ્રયાન 3 ઇસરોનું ઇન્ડિયન લ્યુનર ઍક્સપ્લોરેશન પ્રોગ્રામ એટલે કે ચંદ્ર સંશોધન કાર્યક્રમનું ત્રીજું મિશન છે. ચંદ્રયાન 3 ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિજ્ઞાન માટે મહત્વપૂર્ણ છે. આ મિશનમાં લેન્ડરને ચંદ્રની સપાટી પર એવી જગ્યાએ ઉતારવામાં આવશે જ્યાં પહેલાં કોઈપણ પહોંચ્યું ન હોય. આ તકે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ અને કેન્દ્રાચાર્યા એવાં જાગૃતિ પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે સૌ શિક્ષકમિત્રોની કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં.