ઓલપાડની ગોથાણ પ્રાથમિક શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની ગોથાણ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષિકા શ્રીમતી પદમાબેન મહેન્દ્રસિંહ ઠાકોરને વિદાયમાન, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારોનો ઋણ સ્વીકાર તથા તાલુકા સંઘની કારોબારી સભા સાથેનો ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગોથાણ પ્રાથમિક શાળાનાં આચાર્યા શ્રીમતી ભાનુબેન દેવધરાએ ઉપસ્થિત મહાનુભવોને શાબ્દિક સ્વાગત દ્વારા આવકાર્યા હતાં. શાળાની બાળાઓએ આ તકે સુંદર પ્રાર્થના રજૂ કરી હતી.
કાર્યક્રમનાં પ્રથમ ચરણમાં સ્થાનિક શાળામાં છેલ્લાં 24 વર્ષથી ફરજ બજાવતાં ઉપશિક્ષિકા શ્રીમતી પદમાબેન મહેન્દ્રસિંહ ઠાકોરની બદલી તેમની માંગણી મુજબ વતન નજીકની શાળામાં થતાં તેમને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું. શાળા પરિવારે તેમનાં ઉત્કૃષ્ટ ફરજકાળને તાદૃશ્ય કરી તેમને શાલ ઓઢાડી સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતાં. કાર્યક્રમનાં અધ્યક્ષ એવાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પોતપોતાનાં ઉદબોધનમાં શ્રીમતી પદમાબેનની શાળાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
તાજેતરમાં સુરત શહેરનું હદ વિસ્તરણ થતાં તાલુકાની ગોથાણ, ઉમરા, સેગવા, વસવારી તથા બંગર વર્ગ પ્રાથમિક શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતનાં હસ્તક થવા પામી છે ત્યારે આ તમામ શાળાઓનાં મુખ્યશિક્ષકોએ સંગઠનની કામગીરીને ધ્યાનમાં લઇ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રી તથા અન્ય હોદ્દેદારોનું વિશેષ સન્માન કરીને પોતાનું ઋણ અદા કર્યાનાં ભાવ સાથે ધન્યતા અનુભવી હતી.
અંતિમ ચરણમાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે એજન્ડા મુજબ વિવિધ મુદ્દાઓની ચર્ચા હાથ ધરી હતી. યજમાન પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક સંજય પ્રજાપતિએ અંતમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાનાં ઉપશિક્ષક મનોજ દવેએ કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.