સોનગઢ તાલુકાની ૧૧ શાળાઓને એનઆરઆઈ દાતા દ્વારા રૂા.૨૫ લાખના ખર્ચે શૈક્ષણિક કીટ અર્પણ
(માહિતી બ્યુરો વ્યારા) તા.૧૬- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલગુંડી પ્રાથમિક શાળા ખાતે તા.૧૫/૦૬/૨૦૨૩ ના રોજ પાર્થ ઈન કોર્પોરેશન શિકાગો (અમેરિકા) હાલ આણંદ (સુણાવ)ના પરમ વંદનિય એનઆરઆઈ દાતાશ્રી બાલકૃષ્ણ અંબાલાલ પટેલ તથા એમના પરિવાર દ્વારા સોનગઢ તાલુકાની ૧૧ પ્રાથમિક શાળાઓના કુલ ૧૧૦૦ બાળકોને રૂા.૨૫ લાખના ખર્ચે શૈક્ષણિક કીટ સ્વરૂપે માતબર દાન મળ્યું હતું. પદ્મશ્રી રમીલાબેન ગામીતના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૧ પ્રાથમિક શાળા આમલગુંડી મુખ્ય, ચીમકુવા,આમલગુંડી દા.ફ.,આમલગુંડી ખા.પ. ખોખરા, આંબા, ચકવાણ, બેડવાણ,ઝરાલી,કાકડકુવા, અને રામપુરા ના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી.
સમારંભના અધ્યક્ષ પદ્મશ્રી રમીલાબેન ગામીતે પોતાની સિધ્ધિની દિલ્હી સુધીની સફર વર્ણવી હતી.તેમણે પ્રેરણામયી વાતોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દાતાશ્રીના દાનની શ્રેષ્ઠ પહેલને બિરદાવતા તેમણે કહ્યું હતું કે આપણાં વિસ્તારના બાળકોને માટે ખૂબ જ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેના થકી શિક્ષણમાં પ્રગતિ કરીને સમાજનો વિકાસ કરવાનો છે.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષભાઈ બી. પરમારે સુચારૂ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. વધુમાં દાતાના દાનનો મહિમા સમજાવી દાનને મહાયજ્ઞ સાથે સરખાવી દાતાના નિરામય આયુની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.સુણાવ પીટીસી કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતિ હર્ષિદાબેને પણ દાતાને દાન બદલ આભાર વ્યક્ત કરી તેમની કોલેજમાં જરૂરિયાતમંદ તમામ બાળકોને અભ્યાસ કરવા વિનામૂલ્યે હોસ્ટેલ/કોલેજનો ખર્ચ ભોગવવાની ખાતરી આપી હતી.
દાતાશ્રી એ દરેક બાળકોને ભણીગણીને ખૂબ આગળ વધવાની અને નવા વર્ષે શાળાઓને નવી સુવિધાઓ પૂરી પાડવાની ભાવના વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનો શુભારંભ દિપપ્રાગટ્ય ,પ્રાર્થના ,સ્વાગત ગીત દ્વારા થયો. યજમાન શાળાની બાલિકાઓએ કૃતિ રજુ કરી હતી. શાળાના આચાર્ય નરસિંહભાઈ ગામીતે સ્વાગત કરી સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.
દાતાશ્રી તરફથી શૈક્ષણિક કીટસ, ૨-જોડ યુનિફોર્મ,બૂટમોજા દફતર,વોટરબેગ,લંચબોક્ષ,નોટબુક્સ તથા ૫૨ જેટલા શિક્ષકોને પણ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.૧૧ શાળાના આચાર્યોએ દાતાશ્રીઓ તથા પરિવારજનોને મોમેન્ટો,પુસ્તક પુષ્પ અને શ્રીફળ આપી ભવ્ય સન્માન કર્યું હતું.
૧૧ શાળાઓના ધો.૫ અને ધો.૮માં પ્રથમ ૩ બાળકોનું સન્માન કરી ઉત્સાહિત કર્યા હતા. તેમજ આંબા હાઈસ્કુલની ધો.૧૨માં ૭૮.૪૨ ટકા લાવનાર દીકરી કોંકણી પ્રિયંકાબેન બલીરામભાઈને દાતા બાલકૃષ્ણભાઈએ લેપટોપ ભેટ આપી અનોખુ સન્માન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈએ કરી હતી. દાતાશ્રી અને દાનની આ અજોડ સેવામાં એમની સંવાહક તરીકેની શ્રેષ્ઠ સેવાને દાતાશ્રી અને મહાનુભાવોએ બિરદાવી હતી. અમેરિકાથી દાતાશ્રીના દિકરા-દિકરી,પૌત્રો,મિત્રો કટુંબીજનો મળીને ૨૫ સભ્યો પાંચ વર્ષ બાદ ખાસ પધાર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો,એસ.એમ.સી. સભ્યો,શિક્ષકો, ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કીટ વિતરણ વ્યવસ્થાનું નું સંચાલન દેવ તંબોલીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રગાન કરી પ્રિતિ ભોજન લીધુ હતું. તમામ ૧૧ પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકો અને ગ્રામજનોએ દાતાશ્રીના મહાન સેવાયજ્ઞ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦