રાજ્ય ચૂંટણી કમીશ્નર શ્રી સંજય પ્રસાદના હસ્તે ડો.કિશોરકુમાર ચૌધરી દ્વારા લેખિત ‘કોટલા મહેતા ચૌધરી અને ગણોતધારો’ પુસ્તકનું વિમોચન કરાયું
(તાપી માહિતી બ્યુરો): વ્યારા: તા.09: સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદના પૂર્વ એસોસિએટ પ્રોફેસરશ્રી ડો.કિશોરકુમાર કે.ચૌધરી દ્વારા લિખિત ‘કોટલા મહેતા ચૌધરી અને ગણોતધારો’ પુસ્તકનું લોકાર્પણ રાજ્ય ચૂંટણી કમીશ્નરશ્રી સંજય પ્રસાદના હસ્તે કરાયું.
ઇકો ટુરીઝમ કેમ્પ સાઇટ, પદમદડુંગરી ખાતે યોજાયેલા આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજ્યના તકેદારી આયુક્ત શ્રીમતી સંગીતા સિંહ સહિત જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન રાજ્ય ચૂંટણી કમીશ્નર શ્રી સંજય પ્રસાદે આદિવાસી સમાજમાંથી અનેક નાગરિકોએ વિવિધ રીતે સ્વતંત્રતા સેનાની તરીકે ભાગ ભજવ્યો છે. ગણોતધારા માટે પ્રખ્યાત “શ્રી કોટલા મહેતા” વિશે આ પુસ્તક પ્રદાન કરવા બદલ તેમણે ડો. કિશોરકુમાર કે. ચૌધરીને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
તકેદારી આયુક્ત શ્રીમતી સંગીતા સિંહે ઇતિહાસને સમજવામાં આ પુસ્તક ઉપયોગી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
લેખકશ્રી ડો. કિશોરકુમાર કે.ચૌધરીએ આ પુસ્તક લખવા પાછળ તેમને મળેલ પ્રેરણા, પોતાના કોલેજ અને નોકરી દરમિયાનના અનુભવોને વ્યક્ત કર્યા હતા.
ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણીએ આદિવાસી સમાજમાંથી ઘણા લેખકો, કવિઓ, સાહિત્યકારો સમાજમાં નામ રોશન કરી રહ્યા છે. આવા પ્રબુધ્ધ સાહિત્યકારો, સર્જકોને મળતા આનંદની લાગણી અનુભવું છું એમ જણાવ્યું હતું.
પુસ્તકના વિમોચન પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, ડીસીએફ શ્રી પુનીત નૈયર, આદિવાસી એકતા પરિષદના મહાસચિવ શ્રી અશોકભાઇ ચૌધરી, ડોલવણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, બચુભાઈ કોંકણી સહિત “શ્રી કોટલા મહેતા”ના પરિવારજનો, લેખક ડો. કિશોરકુમાર ચૌધરીના પરિવારજનો, વિવિધ અધ્યાપકશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલીમાબેન દ્વારા અને આભાર દર્શન રોશન ચૌધરી દ્વારા કરાયું હતું. કાર્યક્રમના અંતે સૌએ પ્રિતીભોજન માણયું હતું.
૦૦૦૦૦૦૦