કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા પશુઓની ઉનાળામાં સારસંભાળ, પાણી અને લીલાચારાનું મહત્વ વિષે તાલીમ આપાઈ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, આહવા-ડાંગ ના સંયુક્ત ઉપક્રમે કે.વી.કે. વઘઇ ખાતે પશુપાલન વિષય પર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોમાં પશુપાલન પ્રત્યે જાગૃતતા કેળવાય, વૈજ્ઞાનિક ઢબે થી પશુપાલન કરવા અને ઉનાળાની સખત ગરમીમાં દૂધાળા પશુઓની કઈ રીતે સારસંભાળ રાખી શકાય, તેમજ ખોરાક-પાણી વિશે જાણકારી આપવાનો હતો.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે. બી. ડોબરિયા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. તેમણે પશુપાલકોને પશુપાલન દ્વારા આવક બમણી કરવા માટે યોગ્ય આયોજન સાથેનું વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કે.વી.કે, વઘઇના ડો. સાગર એ. પટેલ, વૈજ્ઞાનિક (પશુપાલન) દ્વારા પશુપાલકોને પશુપાલન અંગેની વૈજ્ઞાનિક રીતે પશુઓની ઉનાળામાં સારસંભાળ રાખવા માટે સવિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને પશુ આહારમાં અઝોલાને લીલાચારાના વૈકલ્પિક તરીકે અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમજ પશુપાલકોને મુઝવતા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. ડો. પી.પી. જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા પશુપાલકને જૈવિક ખાતર બનાવવાની રીત જણાવી હતી.
આ પ્રસંગે પશુપાલકોને પશુપાલનનું માર્ગદર્શન આપવા ફિલ્મ શો દ્વારા દૂધાળા પશુઓની પસંદગી, પશુપાલન વ્યવસાયમાં આવક બમણી કરવાના વૈજ્ઞાનિક સૂચનો આપતો વિડીયો બતાવવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલતું હોય તાલીમાર્થીઓને હલકા ધાન્ય પાકો જેવા કે, જુવાર, બાજરી, નાગલી, વરી, બંટી, બાવટો વગેરેનો ઘાસચારામાં અને ધાન્ય તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા સમજણ અપાઈ હતી.