સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા
સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે : કિરીટ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતાં તેની નવી ટર્મ માટે હોદ્દેદારોની ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સહકાર પેનલનાં ઉમેદવારોએ વર્તમાન પ્રમુખ કિરીટ પટેલની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે કોઈપણ ઉમેદવારી ફોર્મ ન ભરાતાં આજરોજ બંધારણીય ઔપચારિકતા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી બળદેવ પટેલ દ્વારા સહકાર પેનલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી હતી. જે આ મુજબ છે. 1. પ્રમુખ: કિરીટ પટેલ (અસ્નાબાદ પ્રા. શાળા, તા.ઓલપાડ) 2. સિનિયર કાર્યવાહક પ્રમુખ: બળવંત પટેલ (બાબેન પ્રા.શાળા, તા.બારડોલી) 3. કાર્યવાહક પ્રમુખ: પ્રફુલચંદ્ર પટેલ (બુધલેશ્વર પ્રા.શાળા, તા.મહુવા) 4. મહામંત્રી: અરવિંદ ચૌધરી (ફૂલવાડી મુખ્ય પ્રા.શાળા, તા.માંડવી) 5. ઉપપ્રમુખ: ઇમરાનખાન પઠાણ (મોસાલી પ્રા.શાળા, તા.માંગરોલ) 6. ઉપપ્રમુખ: સંજય સોલંકી (વંજોળીયા પ્રા.શાળા, તા.પલસાણા) 7. ઉપપ્રમુખ: દિનેશચંદ્ર સોલંકી (ખોલવડ પ્રા.શાળા, તા.કામરેજ) 8. રતનસીંગ વસાવા (વાડી પ્રા.શાળા, તા.ઉમરપાડા) 9. મહિલા ઉપપ્રમુખ: રીના રોઝલીન (નનસાડ પ્રા.શાળા, તા.કામરેજ) 10. મહિલા ઉપપ્રમુખ: રંજન ચૌધરી (ગોડસંબા કુમાર પ્રા.શાળા, તા.માંડવી) 11. નાણાંમંત્રી: દિનેશ ભટ્ટ (ઉબેર પ્રા. શાળા, તા.ચોર્યાસી)
ચૂંટણી કાર્યાલય એવાં બારડોલી તાલુકાની બાલદા પ્રાથમિક શાળા ખાતે જિલ્લાનાં તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ તથા મહામંત્રીઓ તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકગણે સતત ચોથી ટર્મ માટે પ્રમુખ તરીકે બિનહરીફ વરાયેલ કિરીટ પટેલ તથા તેમની સમગ્ર ટીમને ફૂલહારથી વધાવી સંગઠનની એકતાનાં દર્શન કરાવ્યા હતાં.
આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયામાં કિરીટ પટેલે જણાવ્યું હતું કે સંગઠનમાં હોદ્દો મહત્વનો નથી. હોદ્દો તો સંગઠનની દરેક નાની મોટી રજૂઆતોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું એક માધ્યમ છે. સંગઠન સર્વોપરી છે અને તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેનો કાબેલ પ્રહરી છે. તેમણે ઉમેર્યું હતું કે સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે. અંતમાં તેમણે પોતાનાં પર મૂકેલ વિશ્વાસ બદલ જિલ્લાનાં તમામ શિક્ષક ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.