કેએપીએસ ટાઉનશિપ, અણુમાળા ખાતે ભારતરત્ન ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિ નિમિત્તે સમારોહનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કેએપીપી એસસી-એસટી એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે કમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલ ભવ્ય સમારોહમાં શ્રી સુનિલ કુમાર રોય, સાઇટ ડાયરેક્ટર, શ્રી એસ.ડી. આનંદ, સ્ટેશન ડાયરેક્ટર, શ્રી એમ.એમ. અન્સારી, પ્રમુખ, માનવ સંસાધન, શ્રી પરિમલ ચૌધરી, પ્રમુખ, કેએપીપી એસસી-એસટી એમ્પ્લોઈઝ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રારંભમાં સહુ આમંત્રિતોએ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા ચઢાવી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓ અને કેએપીપી એસસી-એસટી એમ્પ્લોઈઝ એસોસિએશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં અણુમાળાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી સુનિલ કુમાર રોય, સાઇટ ડાયરેક્ટરશ્રીએ તેમના વિચારો પ્રગટ કરતાં જણાવ્યુ હતું કે ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વની વાતો કરવા માટે એક જીવન નાનું છે. તેઓનું એક જીવન આપણને અનેક સંદેશાઓ આપે છે. આપણો દેશ તેમની અધ્યક્ષતામાં ઘડાયેલા દુનિયાના શ્રેષ્ઠ બંધારણના નિર્માણ માટે સદાકાળ ઋણી રહેશે. ખાસ કરીને તેમના દ્વારા દેશના બંધારણમાં વંચિતો, ગરીબો અને પછાત વર્ગના નાગરિકોના હિતોના રક્ષણ માટે સમાવેશ કરાયેલ જોગવાઇઓને કારણે આજે આવા વર્ગના નાગરિકોના જીવનમાં ખૂબ જ બદલાવ જોવા મળે છે અને તેઓ સ્વમાનભેર સમાજ અને દેશના વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે કોઈ પણ વ્યક્તિ કે સમાજના વિકાસ માટે શિક્ષણનો કોઈ વિકલ્પ નથી અને ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પણ સહુને એજ સંદેશ આપતા હતા.
કેએપીપી(એનપીસી) એસસી અને એસટી એમ્પ્લોઈઝ એસોસિએશના પ્રમુખશ્રી પરિમલ ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું કે, સમાજ અને દેશના વિકાસમાં શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે અને ડો. આંબેડકરે તેમના સમગ્ર જીવનકાળ દરમ્યાન એ દિશામાં ખૂબ પ્રયત્નો કર્યા છે. હવે આપણે એમના દ્વારા વાવેલા બીજના ફળો થકી એમના શરૂ કરેલ કાર્યોને આગળ ધપાવવાના છે. એમણે જણાવ્યુ હતું કે કેએપીપી એસસી અને એસટી એમ્પ્લોઈઝ એસોસિએશના નાનામોટા પ્રશ્નોનાં નિવારણ માટે કાકરાપાર અણુવિદ્યુત મથક પ્રબંધન હમેશા સકારાત્મક વલણ રાખે છે અને તે માટે તેઓએ સમગ્ર પ્રબંધનનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે શાળાના બાળકોએ વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેને સમારોહમાં ઉપસ્થિત તમામ મહેમાનોએ મનભરી માણ્યો હતો.