ઓલપાડની ભગવા પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : લોકોને પાણી બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્ત્વ સમજવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવીને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનાં શુભ હેતુસર સમગ્ર વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભગવા પ્રાથમિક શાળામાં પણ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં ધોરણ ૩ થી ૫ માં અભ્યાસ કરતાં બાળકો માટે જળ એજ જીવન વિશે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ-૩ માં વૃષ્ટિ કિશોરભાઇ આહિર, ધોરણ-૪ માં નુઝહત સુફિયાન ખલીફા જ્યારે ધોરણ-૫ માં નુસૈબા સુફિયાન ખલીફાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ગિરીશ પટેલે બાળકોને સંબોધીને જણાવ્યું હતું કે પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની નથી પરંતુ સમગ્ર સમાજની પણ છે. જળ એ જીવન છે. આપણું જીવન આપણા હાથમાં જ છે પણ આપણે તેને વેડફી રહ્યાં છીએ. તરસ લાગે ત્યારે કૂવો ન ખોદાય એ હકીકતને સમજી પાણી વેડફાઈ જાય એ પહેલાં જ કૂવા ગાળવાનાં, પાણી બચાવવાનાં આપણે સઘન પ્રયત્નો કરવા જોઈએ.
શાળાનાં મુખ્યશિક્ષક જયેશ વ્યાસે ઈશ્વરે આપેલ જળરૂપી અમૂલ્ય પ્રસાદને સાચવવા સૌ બાળકોને હાકલ કરી હતી. સદર કાર્યક્રમમાં કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ નરગીસબાનુ ખલીફા સહભાગી થયા હતાં.