તાપી જિલ્લામાં ટીબી રોગના કેસોમાં ઘટાડો થતા રાષ્ટ્રીયકક્ષાએ બ્રોન્ઝ મેડલ મળ્યો
(માહિતી બ્યુરો વ્યારા-તાપી)તા.૨૯: વિશ્વ ક્ષય દિન નિમિત્તે વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટનું આયોજન માન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. તાપી જીલ્લામાં વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૨ દરમ્યાન ટીબીના નવા કેસોમાં ૨૦ ટકા જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેને અનુલક્ષીને તાપી જિલ્લાને સબ નેશનલ સર્ટીફીકેશન અંતર્ગત નેશનલ કક્ષાએ પસંદ કરવામાં આવેલ હતો. જેમાં તાપી જિલ્લાને બ્રોન્ઝ મેડલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતા આ સમિટમાં તાપી જિલ્લાને બ્રોન્ઝ મેડલ આપવામાં આવેલ છે.
તા.૨૧-૧૨-૨૦૨૨ થી ૧૩-૦૧-૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન તાપી જીલ્લાના ૧૦ ગામોમાં સબ નેશનલ સર્ટીફીકેશન અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલ જેમાં ૧૦,૦૩૪ ઘર અને ૪૧,૫૨૯ વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને ૭૭૪ સ્પુટમ સેમ્પલ કલેક્શન કરવામાં આવેલ. જેને અતિ આધુનિક જીન એક્ષપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે હકીકતને અનુલક્ષીને સેન્ટ્રલ ટીબી ડિવીઝન દ્વારા ધારા ધોરણો પૂર્તતા કરેલ હોય અને આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જીલ્લા કક્ષાના અધિકારી અને ડબલ્યુએચઓ ના કન્સલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તમામ કામગીરી તાપી જીલ્લા કલેક્ટર સુશ્રી ડો. ભાર્ગવી દવે અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી કાપડિયાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
તાપી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા, જીલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.રાજુભાઈ ચૌધરી, જીલ્લાના પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ, તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, મેડીકલ ઓફિસરશ્રીઓ, સુપરવાઈઝરશ્રીઓ, જીલ્લા ક્ષય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.અભિષેક ચૌધરી અને તમામ સ્ટાફ, તાલુકા કક્ષાના ટીબી સુપરવાઈઝર (એસ.ટી.એસ અને એસ.ટી.એલ.એસ), હેલ્થ વર્કર, આશા બહેનો વગેરેના અથાગ પરિશ્રમના ફળ સ્વરૂપે તાપી જિલ્લાને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે.
વધુમાં જણાવવાનું કે તા.૨૮-૦૩-૨૦૨૩ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના વરદ્ હસ્તે તાપી જીલ્લાના જીલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.રાજુભાઈ ચૌધરીને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો હતો. આ સર્વે ભારતમાં ૩૩૧ જિલ્લામાં કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ૧૦ જીલ્લામાં આ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના ૫ જીલ્લા પૈકી જામનગર, ગીર સોમનાથ, જુનાગઢને સિલ્વર મેડલ તથા તાપી અને અમરેલીને બ્રોન્ઝ મેડલ મળેલ છે.