તાપી જિલ્લા ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય “પલાશ પર્વ”-હોળી મહોત્સવનો શુભારંભ
દેશમાં પ્રસાશન અને પદાધિકારીઓમાં મહિલાઓ બિરાજમાન છે જે ખુબ સુદર કામ કરી દેશના વિકાસમાં સહભાગી થઇ રહી છે.- સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા
……..
હોળી રંગ અને પ્રેમ અનુરાગનો પર્વ છે. કેસુડો આપણા વગડાની શાન છે. તેને પ્રતિક રૂપે આ પર્વનું નામ ‘પલાસ પર્વ” રાખવામાં આવ્યું છે.-જિલ્લા સમાહર્તા સુશ્રી ભાર્ગવી દવે
……..
વિશ્વ મહિલા દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉચ્ચકક્ષાની કામગીરી કરનાર તાપી જિલ્લાની મહિલાઓનું સન્માન
……..
પદાધિકારીઓ-અધિકારીઓએ બળદગાળામાં પર્વમાં એન્ટ્રી કરી, સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થયા, બળદગાળામાં સવારી કરી લોકોના ઉત્સાહમાં વધારો થયો
……..
માહિતી બ્યુરો,તાપી તા.૦8: તાપી જિલ્લો પોતાના અનોખા કાર્યો માટે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિન અને ધૂળેટીના પર્વ નિમિત્તે તાપી જિલ્લા વહિવટી તંત્રની અનોખી પહેલ રૂપે ત્રિદિવસીય “પલાસ પર્વ-હોળી મહોત્સવ”નો શુભારંભ કાર્યક્રમ નિઝર તાલુકાના રૂમકિતલાવ ખાતે યોજાયો સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ વિભાગ દ્વારા પ્રેરીત અને જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા આયોજીત “પલાશ પર્વ”-હોળી મહોત્સવનું આયોજન બારડોલી સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા,ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત સહિત જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદ્વબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષ ત્રિવેણી સંગમ સમાન છે. જેમાં આઝાદી કા અમૃત મહોત્વ, G-20ની અધ્યક્ષતા, અને મિલેટ વર્ષ એ ત્રિવેણી સંગમ પાછળ શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સફળ માર્ગદર્શન છે. સાંસદશ્રીએ પલાસ પર્વના સફ્ળ આયોજન માટે જિલ્લા પ્રસાશનની ખુબ સરાહના કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટરશ્રીને “જિલ્લાના માતૃશ્રી” તરીકેનું બિરૂદ આપી કલેકટરશ્રી તાપી જિલ્લાની એક પરિવારની જેમ ચિંતા કરે છે એમ જણાવ્યું હતું. તેમણે આજના વિશ્વ મહિલા દિન નિમિતે “બેટી વિના મા નહિ, મા વિના સંસાર નહિ” એમ સુત્ર સાથે તમામ મહિલાઓને વંદન કરી આપણા દેશમાં પ્રસાશન અને પદાધિકારીઓમાં મહિલાઓ બિરાજમાન છે જે ખુબ સુદર કામ કરી દેશના વિકાસમાં સહભાગી થઇ રહી છે એ જણાવી સૌ મહિલાઓને વંદન કર્યા હતા.
“પલાશ પર્વ”-હોળી મહોત્સવમાં જિલ્લા કલેક્ટસરસુશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે, હોળી રંગ અને પ્રેમ અનુરાગનો પર્વ છે. કેસુડો આપણા ભારતિય જંગલોની શાન છે. તેને પ્રતિક રૂપે આ પર્વનું નામ ‘પલાસ પર્વ” રાખવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીએ પોતાના બાળપણના પ્રસંગો યાદ કરી બરસાનાની હોળી, યુપીની હોળી અને વિવિધ જિલ્લાઓમાં પોતાની કારકિર્દી દરમિયાન જોયેલા અને માણેલા હોળીના મેળાઓ અંગે યાદો તાજા કરી હતી. તાપી જિલ્લામાં પણ ભવ્ય અને દિવ્ય તહેવાર બની પલાસ પર્વ વર્ષો વર્ષ ઉજવતા રહીએ એમ આશા વ્યકત કરી હતી. હોળીનો તહેવાર અબાલવૃધ્ધ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. જ્યારે જિલ્લા કક્ષાએ એક મીટીંગમાં પદાધિકારઓ-અધિકારીઓને આ ઉત્સવ માટે પ્રસ્તાવ મુખ્યો હતો. ત્યારથી લઇ આજદિન સુધી રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતી અને તાપી જિલ્લા પ્રભારી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઇ તથા રાજ્યકક્ષાએ વિવિધ વિભાગો અને જે.કે.પેપર મીલ, સ્પર્સ ફાઉન્ડેશન સ્થાનિક પદાધિકારીઓ અને પ્રસાશનની ટીમ દ્વારા અદભુત સાથ સહકાર મળ્યો છે. અંતે કાવ્ય પંક્તિ “હોલી તો ખેલે તાપી વાસી ખેલે હોલી તાપીવાસી….” દ્વારા સૌને આ પર્વ માટે અભિનંદન પાઠવ્યા હતા.
જિ.પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાએ સ્થાનિક ભાષામાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા સૌ જાહેરજનતાનું મન જીતી લીધું હતું તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીઓની સંસ્કૃતિને અનોખી રીતે ઉજાગર કરવા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માનવીનું મન રંગોથી રંગાયેલુ છે. ઉમરગામ થી લઇ અંબાજી સુધી દરેક વિસ્તારમાં અલગ અલગ રીતે હોળી ઉજવવામાં આવે છે ત્યારે આપણી સંસ્કૃતિ ટકી રહે તે માટે સૌએ જાગૃત બનવાની જરૂર છે.
ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા વિશ્વ મહિલા દિનની શુભેચ્છા પાઠવતા “નારી તુ નારાયણી” ના સુત્ર સાથે તમામ મહિલાને વંદન કર્યા હતા. તેમણે આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો ઉત્સવ એટલે હોળી એમ જણાવી હોળીનો મહોત્સવ નાના મોટા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે ધારાસભ્યશ્રીએ જિલ્લા પ્રસાશનને આ મહોત્સવ ઉજવવા માટે અને અનોખી પહેલ કરવા માટે ખુબ સરાહના કરી હતી.
ધારાસભ્યશ્રી ડો.જયરામ ગામીતે હોળી પર્વ અને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ માટે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રથમ વખત તાપી જિલ્લામાં આ પ્રકારનો હોળી મહોત્સવ ઉજવાયો છે ત્યારે અધિકારીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવું ઘટે. આવનાર સમયમાં આ જ પ્રકારે અનેક અવનવા કાર્યક્રમો કરીશું એમ ખાત્રી આપી હતી.
*બોક્સ-૧*
*વિશ્વ મહિલા દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉચ્ચકક્ષાની કામગીરી કરનાર તાપી જિલ્લાની મહિલાઓનું સન્માન*
પલાસ પર્વ અને વિશ્વ મહિલા દિન નિમિત્તે તાપી જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉચ્ચકક્ષાની કામગીરી કરનાર મહિલાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર મહિલાઓમાં PHC વાંકાના મેડીકલ ઓફીસર ડો. જામી શાહ, સબ સેન્ટર વેલદાના આશા વર્કર નીતાબેન સાજનભાઈ પાડવી, સબ સેન્ટર વડલીના FHW જાગૃતિબેન જીતેન્દ્રભાઈ વસાવેને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓર્ગેનિક ચિજ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ માટે સહયોગ સખી સંઘ રંગણકચ્છ, નીલકંઠ સખી મંડળને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં ભાગ લેવા બદલ પ્રા શા. ખુટાડિયા તો વ્યારાના ઉપ શિક્ષક સ્તુતીબેન આર. ચૌધરી, પ્રા.શા. ખડકા ચીખલી તા.સોનગઢના ઉપ શિક્ષક સુરભીબેન બી. ચૌધરી, કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારાના આચાર્ય સંગીતાબેન એન. ચૌધરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે નેશનલ ગેમમાં ભાગ લેવા બદલ પ્રિયાબેન આર. ચૌધરી, મોનીકાબેન એન. ચૌધરી અને ભીલાર ઓપીના ડી.ને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પલાસ પર્વના પ્રણેતા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેને પદાધિકારીઓએ બુકે આપી ખાસ તેઓની કાર્યનિષ્ઠાને નવાજ્યા હતા.
*બોક્સ-2*
*બળદગાળામાં સવારી કરી લોકોએ ઉત્સાહમાં વધારો કર્યો*
વિસરાઇ ગયેલ સવારી એવી બળદગાળાની સવારીએ પલાસ પર્વમાં જાહેર જનતાના ઉત્સાહમાં ભારે વધારો કર્યો હતો. મહાનુભાવોએ બળદગાળામાં કાર્યક્રમમાં એન્ટ્રી લેતા જાહેરજનતાએ તાળીઓના ગળગળાતથી સૌને વધાવી લીધા હતા. સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસાવા, જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે,ન.પા.પ્રમુખ સેજલ રાણા, જિલ્લા વિકારસ અધિકારી આર.જે.વલવીએ રંગબેરંગી આર્ટીકલ્સથી સુશોભિત બળદગાળામાં એન્ટી મેળવી હતી. આ સાથે પર્વમાં રૂપિયા 20 અને રૂપિયા 50ના નજીવા દરે બળદગાળાની સવારીને લોકોએ ખુબ માણી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું “સ્વાગત માર્ચ રૂપે “પોલીસ બેન્ડ તેમજ પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેવમોગરા માતાની આરતી અને મહાનુભાવોના હસ્તે રંગબેરંગી સીડ બલુન આકાશમાં ઉડાડી કાર્યક્રમની શરૂઆત રંગે ચંગે કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન નિઝર પ્રાંત જયકુમાર રાવકે કર્યું હતું જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવોનું સ્વાગત ફુલોથી નહિ પરંતું હોલી પર્વમાં વિશેષ મહત્વ ધરાવતા હારડા, કોપરા,દાણીયા, કેરી,ખજુર,ઘાણીની ફુડ બાસ્કેટ દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં “હોલી રે હોલી…હેપ્પી હોલી”ના નાદથી રૂમકિતલાવ ગુંજી ઉઠ્યું. વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વિવિધ કૃતિઓથી આકર્ષિત થઇ ટ્રેડિશનલ ડાન્સના કલાકારોને રોકડ ઇનામ આપી તેઓની કલાને નવાજવામાં આવ્યા હતા.
નોધનિય છે કે, ત્રિદિવસીય પલાસ પર્વમાં આવતી કાલ તા. ૯ માર્ચ, ૨૦૨૩, સાંજે ૪:૩૦ કલાક થી ૬:૩૦ કલાક મદન & ગોટુ મામા સોંગાડ્યા પાર્ટી અને સમાપન કાર્યક્રમ તા. ૧૦ માર્ચ, ૨૦૨૩, સાંજે ૪:૩૦ કલાક થી ૬:૩૦ કલાકે થશે. આ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સખી મંડળના સ્ટોલ પ્રદશન, એક્ઝીબશન અને સ્વાદિષ્ટ પકવાનોનો સ્વાદ જાહેર જનતા માણી શકશે.
આ પ્રસંગે આર.એન.બીના કા.પા.ઇ મનીષ પટેલ, રમત યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, , વ્યારા પ્રાંત આર.સી.પટેલ, ઉચ્ચલ મામલતદાર આર.આર.વસાવા, જે.કે.પેપર મીલના હેડ મુકુલ વર્મા, અને સ્પર્સ ફાઉન્ડેશનમાંથી ઉપસ્થિત અધિકારીઓ, વિવિધ મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ અને તાપી જિલ્લાની જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પર્વને સફળ બનાવ્યો હતો.
000000000