સુરતનાં કામરેજ ખાતે 52 લેઉઆ પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારોહ તથા દ્વિતીય વાર્ષિક સાધારણ સભા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : 52 લેઉઆ પાટીદાર સમાજ (સુરત વિભાગ) મહિસાગર જિલ્લાનો તૃતિય સ્નેહમિલન સમારોહ તથા દ્વિતીય વાર્ષિક સાધારણ સભાનું આયોજન રામ કબીર પ્રાથમિક શાળા, કામરેજ સુરત મુકામે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, જિલ્લા રજીસ્ટ્રાર ધ્રુવીનભાઈ પટેલ તથા ગુરુકૃપા વિદ્યાસંકુલનાં ટ્રસ્ટી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
સદર સ્નેહમિલન સમારોહમાં સુરત શહેર તથા તેની આસપાસનાં વિસ્તારોમાં રહેતાં મહીસાગર જિલ્લાનાં 52 લેવા પાટીદાર સમાજનાં સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત 42 સમાજનાં અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા તથા જિલ્લા રજીસ્ટર ધ્રુવીનભાઈ પટેલનાં વરદ હસ્તે ધોરણ-10, ધોરણ-12 અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ, નિવૃત્ત શિક્ષકો તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વાર્ષિક સાધારણ સભા દરમિયાન જૂની કારોબારીને એક વર્ષ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સુરત વિભાગ ખાતે મહિલા કારોબારીની રચના પણ કરવામાં આવી હતી. પ્રમુખ જે.ડી.પટેલ (મધવાસ), મંત્રી પરેશકુમાર એમ. પટેલ (આંકલવા), ઉપપ્રમુખ હિતેશભાઈ પટેલ (સાગાનાં મુવાડા), આર.કે.પટેલ (અરીઠી), મહેશભાઈ પટેલ (તકતાજીનાં પાલ્લા), ખજાનચી આર.ડી.પટેલ (મધવાસ), સહમંત્રી ચીમનભાઈ પટેલ (સવગઢ) સહિત તમામ કારોબારી સભ્યો દ્વારા મહિલા કારોબારી સભ્યોને વિશેષરૂપે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન રૂપિયા 51 હજારનું દાન વિવિધ સભ્યો દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.