રાજ્યના ચૂંટણી આયોગ કમિશ્નરશ્રીએ વેડછી વિદ્યાપીઠની મુલાકાત લીધી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૭ – તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે રાજ્યના ચૂંટણી આયોગ કમિશ્નરશ્રી સંજય પ્રસાદે( IAS) આજરોજ ખાસ મુલાકાત લીધી હતી. આ વેળાએ તકેદારી આયુક્તના શ્રીમતી સંગીતા સિંઘ ( IAS) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધી જીવનના મૂલ્યોથી પ્રભાવિત ચૂંટણી આયોગ કમિશ્નરશ્રી સંજય પ્રસાદે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ આપણાં મહાન રાષ્ટ્ર પિતાના જીવનના મૂલ્યોથી પ્રભાવિત છે. આપણે પણ તેમાંથી પ્રેરણા લઈ આપણાં જીવનને શ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. ગાંધીમૂલ્યોને જીવંત રાખતી શિક્ષણ પ્રણાલી શ્રેષ્ઠ જીવન બનાવે છે. મહાત્મા ગાંધીના વિચારો માટે તેમના પુસ્તકો વાંચવા જોઈએ દરેક પ્રકારની કેળવણી આપણને વિદ્યાપીઠમાંથી મળી રહે છે. સ્થાનિક તમામ આદિવાસી લોકોએ લોકોએ સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લીધો હતો. આપણાં દેશની આઝાદીની ચળવળમાં અહીંના લોકોનું પણ યોગદાન છે.
તકેદારી આયોગના સંગીતા સિંઘ ( IAS)એ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનમાં એક ધ્યેય સાથે આગળ વધવુ જોઈએ અને ક્યારેય નિરાશ ન થતા હંમેશા હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ.પ્રાકૃતિક જિલ્લામાં જ્યારે ભણવાની તક મળે ત્યારે વિદ્યાર્થીઓએ તેનો લાભ ઉઠાવવો જોઈએ અને પોતાની કારકિર્દી ઉત્તમ પ્રકારની બને તેવો પ્રયાસ કરવો જોઈએ.
મુલાકાતના આ પ્રસંગે અશોકભાઈ ચૌધરી,ડો.અંજનાબેન ચૌધરી,નિઝર પ્રાંત અધિકારી જયકુમાર રાવલ, નાયબ કલેકટર તૃપ્તિ પટેલ સહિત સંસ્થાના અગ્રણીઓ,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦