મુખ્યમંત્રીશ્રી રવિવારે આહવા પધારશે
સેવાધામ ખાતે ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં હાજરી આપશે
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : : તા: ૧૭: આગામી તા.૧૯મી ફેબ્રુઆરીને રવિવારે ડાંગ જિલ્લાની મુલાકાતે આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે, જિલ્લાના તમામ અધિકારીઓને શનિ-રવિની રજાઓમાં હેડ ક્વાર્ટર નહીં છોડવાની કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગએ સૂચના આપી છે.
રવિવારે આહવાના સેવાધામ ખાતે ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં પધારી રહેલા મુખ્યમંત્રીશ્રીના હેલિપેડ આગમન સહિત કાર્યક્રમ સ્થળે આનુશાંગિક વ્યવસ્થાઓ, આયોજક સંસ્થાની સાથે રહીને ચકાસી લેવાની સૂચના આપતા કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગોના અધિકારીઓને સ્થળ ચકાસણી કરીને કામગીરી હાથ ધરવા બાબતે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિતે કાર્યક્રમ સંબંધી જાણકારી આપવા સાથે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
જિલ્લા અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમ પાર પાડવાની પણ ઉચ્ચાધિકારીઓએ હિમાયત કરી હતી.
–