સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત વોલીબોલ સ્પર્ધામાં કામરેજ તાલુકો ચેમ્પિયન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષક ભાઈઓ માટેની એક વોલીબોલ સ્પર્ધાનું આયોજન બારડોલી તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બાલદા પ્રાથમિક શાળાનાં પટાંગણમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતાં. સદર સ્પર્ધામાં 9 તાલુકાની 17 ટીમોએ ભાગ લીધો હતો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે રિબીન કાપી સ્પર્ધા ખુલ્લી મૂકી હતી. સાથે તેમણે ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છા પાઠવી હતી.
તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમી ફાઇનલ મેચ કામરેજ અને મહુવા વચ્ચે તથા બીજી સેમી ફાઇનલ પલસાણા અને ઓલપાડ વચ્ચે રમાઇ હતી. જેમાં અનુક્રમે કામરેજ અને પલસાણાની ટીમો વિજેતા બની હતી. ફાઇનલ મેચમાં કામરેજ અને પલસાણા વચ્ચે રસપ્રદ મુકાબલો યોજાયો હતો. જેમાં કામરેજ તાલુકાની ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે પલસાણાની ટીમ રનર્સ અપ રહી હતી. ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ચેમ્પિયન તથા રનર્સ અપ ટ્રોફી આપવામાં આવી હતી. સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત દિનેશભાઈ ભટ્ટ, અનિલભાઈ ચૌધરી, વિશ્વજીતભાઈ ચૌધરી, બળવંતભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ, રીનાબેન રોઝલીન, એરિકભાઈ ખ્રિસ્તી, પ્રફુલભાઈ પટેલ, બિપીનભાઈ વસાવા, ઇમરાનખાન પઠાણ ઉપરાંત તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મંત્રીઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. સ્પર્ધા માટે મેદાન તેમજ અન્ય વ્યવસ્થા બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક દ્વારા કરવામાં આવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.