“સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” અંતર્ગત ૩૦મી જાન્યુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી દરમિયાન રક્તપિત વિશે લોકોમાં જનજાગુતિ અભિયાનની શરૂઆત

માહિતી બ્યુરો.તાપી.તા.૩૦: રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ૧૨ હાઈએન્ડેમીક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ ગ્રામસભાના માધ્યમથી રક્તપિત વિશે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે તાપી જિલ્લામાં પણ “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન- પખવાડિક” અંતર્ગત આજે ૩૦મી જાન્યુઆરી થી ૧૩ મી ફેબ્રુઆરી દરમ્યાન રક્તપિત વિશે લોકોમાં જનજાગુતિ આવે તે માટે સઘર પગલા હાથ ધરવામાં આવનાર છે. જેમાં તાપી જિલ્લાના ગામે ગામ જઇ નાગરિકોને રક્તપિત્ત વિશે સમજ કેળવી જાગૃતતા કેળવી હતી.
ગુજરાત રાજ્યમાં રક્તપિત રોગનું પ્રમાણદર ૧૦૦૦૦ ની વસ્તીએ ૦.૩૩ છે. ડીસેમ્બર -૨૦૨૨ અંતિત ૬ હાઈએન્ડેમીક જીલ્લાઓ (વડોદરા, પંચમહાલ, નર્મદા, મહીસાગર, સુરત, વલસાડ) માં રોગનું પ્રમાણદર ૧ કરતા ઓછું લાવવામાં સફળતા મળી છે. તાપી જીલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણદર ૧૦૦૦૦ ની વસ્તીએ ૧.૩૦ છે. વિશ્વમાં દર ૩૦ મી જાન્યુઆરી રક્તપિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રક્તપિત રોગને લઈને લોકોમાં જાગૃતતા વધે અને તેને રોકવા માટેના સહિયાર પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ ઉજવણી થાય છે.ધણા સમય સુધી રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ સ્પર્શ કરવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠાવા-બેસવાથી ફેલાતો નથી.
રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળની વચ્ચે વર્ષ ૨૦૨૦-૨3 દરમ્યાન રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રક્તપિત નવા દર્દી શોઘીને ત્વરીત બહુ ઔષઘિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરેલ છે.
રાજયના ૧૨ હાઈએન્ડેમીક જીલ્લામાં પ્રમાણદર ૧ કરતા વઘુ હોય, આ કામગીરીની અસરથી ડીસેમ્બર -૨૦૨૨ અંતિત ૬ હાઈએન્ડેમીક જીલ્લાઓ (વડોદરા, પંચમહાલ, નર્મદા, મહીસાગર, સુરત, વલસાડ) માં રોગનું પ્રમાણદર ૧ કરતા નીચે લાવી એલીમીનેશનનું ધ્યેય હાંસલ કર્યુ છે.
તાપી જિલ્લામા છેલ્લા છ વર્ષમા ૯ જેટલી રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરેલ છે. તાપી જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૨-૨૩ (ડીસેમ્બર -૨૦૨૨ અંતિત) સુધીમા અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ- ૨૭૧૦ રક્તપિતગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર પગરખાં (એમ.સી.આર.) પુરા પાડેલ છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાય છે.
આવો જાણીએ રક્તપિત શું છે?
રક્તપિત માઈક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ /અપંગતા અટકાવી શકાય છે.
રક્તપિત રોગના ચિન્હો-લક્ષણો
(૧)શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું (૨) જ્ઞાનતંતુઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો.રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળે? રક્તપિત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ, ખાતે એમ.ડી.ટી. ખાતે (મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ)બહુઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
0000000000