તાપી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વમાં વિવિધ વિભાગના ટેબ્લો બન્યા સૌના આકર્ષણનું કેન્દ્ર
પ્રથમ ક્રમે સિંચાઇ વિભાગ, દ્વિતિય ક્રમે આઇ.સી.ડી.એસ અને ત્રીજા ક્રમે વન વિભાગનો ટેબ્લો રહ્યા
……………..
પ્રથમ ક્રમે આવેલ સિંચાઇ વિભાગ દ્વારા નવતર પ્રયોગ હેઠળ ગેસના ફુગ્ગામાં પીપળો, આમલી, ગરમાળો, દેશી બાવળ જેવા વિવિધ 25 ઝાડના બીજને ફુગ્ગામાં ચોંટાડીને ખુલ્લા આકાશમાં છોડવામાં આવ્યા
……………..
બીજા ક્રમે આઈ.સી.ડી.એસ.ના પોષણ રથ
……………..
“Livelihood Generation through Forest”ના સંદેશ સાથે રજુ થયેલ વ્યારા વન વિભાગનો ટેબ્લો ત્રીજા ક્રમે રહ્યો
……………..
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.૨૭: દેશના 74-મા ગણતંત્ર દિવસની ગત રોજ રાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેકટર સુશ્રી ભાર્ગવી દવેના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે પ્રજાસત્તાક પર્વ નિમિતે સમગ્ર દેશમાં વિવિધ સાંકૃતિક કાર્યક્રમો અને પોલીસ પરેડ સહિત વિવિધ વિભાગની યોજનાકિય માહિતી પ્રદર્શિત કરવા માટે ટેબ્લોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે તાપી જિલ્લામાં વિવિધ વિભાગના કુલ-14 ટેબ્લો દ્વારા પ્રદર્શનીમાં ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નંબરે પંચાયત સિંચાઈ વિભાગ,બીજા નંબરે આઈ.સી.ડી.એસ.ના પોષણ રથ અને તૃતિય ક્રમ વનવિભાગને પ્રાપ્ત થયો હતો.
પ્રથમ ક્રમે આવનાર સિંચાઇ વિભાગના ટેબ્લોની વિશેષતા જાણીએ
…………..
ગેસના ફુગ્ગામાં વિવિધ વડ, પીપળો, આમલી, ગરમાળો, દેશી બાવળ જેવા વિવિધ 25 ઝાડના બીજને ફુગ્ગામાં ચોંટાડીને ખુલ્લા આકાશમાં છોડવામાં આવ્યા
વ્યારા જિલ્લામાં ભૌગોલિક વિવિધતા ધરાવતો પ્રદેશ છે જેમાં સપાટ મેદાન ઘણી ઓછી જગ્યાએ છે મોટાભાગે ડુંગરાળ વિસ્તારથી ઘેરાયેલું છે આવી પરિસ્થિતિમાં કેનાલ દ્વારા પાણી પૂરું પાડવાનું બધી જગ્યા શક્ય નથી તેવા વિસ્તારમાં ઉદ્ધવહન સિંચાઈ કરી ખેડૂતો પોતાનો પાક લઈ શકે તેના માટે જિલ્લા પંચાયત તાપી દ્વારા મશીન આધારિત અને સૌર ઊર્જા આધારિત લિફ્ટ ઇરીગેશન સ્કીમ અમલમાં મૂકેલી છે ટ્રાઇબલ એરિયા પ્લાન સોનગઢની કચેરી ના સહયોગથી અને ડી સેગ તેમજ અન્ય વિભાગીય ગ્રાન્ટમાંથી તાપી જિલ્લાના ખેડૂતો માહિતગાર થાય અને વધુમાં વધુ લાભ લે તેના માટે જિલ્લા પંચાયત તાપીના સિંચાઈ વિભાગ દ્વારા ટેબલો સ્વરૂપમાં મશીન આધારિત તેમજ સોલાર આધારિત લિફ્ટ ઇરીગેશનનું મીનીએચર મોડલ 74 માં ગણતંત્ર દિવસના દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યુ હતું. આ સાથે તાપી જિલ્લો વનરાજી થી ઘેરાયેલો જિલ્લો છે જંગલ વિસ્તાર હોવાના કારણે વરસાદ પણ વધુ પડે છે જંગલ પોતાનું સૌંદર્ય જાળવી રાખે તેના માટે આ વર્ષે નવતર પ્રયોગ હેઠળ ઉજવણીના ભાગરૂપે ઉડાડવામાં આવતા ગેસના ફુગ્ગામાં વિવિધ વડ, પીપળો, આમલી, ગરમાળો, દેશી બાવળ જેવા વિવિધ 25 ઝાડના બીજને ફુગ્ગામાં ચોંટાડીને ખુલ્લા આકાશમાં છોડવામાં આવ્યા અને ફુગ્ગો જ્યારે ફૂટશે ત્યારે વનસ્પતિના બીજ તે જગ્યાએ જંગલ બનાવશે અને આપણી ધરા હરીભરી રાખશે તેના માટે સિંચાઈ વિભાગ એ ટેબલો ની સાથે હજારો અને લાખોની સંખ્યામાં ચોટેલા બીજોને સીડ બલૂન તરીકે ઉડાડ્યા હતા
અને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
બીજા ક્રમે આઈ.સી.ડી.એસ.ના પોષણ રથ
………………..
પોષણ અભિયાન અંતર્ગત આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા “પોષણ રથ” ના થીમ અનુસાર પ્રાદેશિક વાનગીઓ, મિલેટ વર્ષ અંગે માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત પોષણ અભિયાનની વિવિધ યોજનાઓ જેમાં પોષણ સુધા યોજાના, એમ.એમ.વાય, પાપા પગલી સહીત પોષણ અંગેના ચાર્ટ, અને બેનર લગાવી ટેબ્લો રજુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાકભાજી અને ફ્રૂટસની વેશભૂષા ધારણ કરી આંગણવાડીના બાળકો “પોષણ પરી” રૂપે રજુ થયાં હતાં. સાથે સાથે આંગણવાડીની બહેનો ટેબ્લો સાથે પોષણ રેલીમાં જોડાયા હતાં. આઈ. સી. ડી. એસ વિભાગના ટેબ્લોને બીજો ક્રમાંક મળ્યો હતો.
ત્રીજા ક્રમે “Livelihood Generation through Forest”ના સંદેશ સાથે રજુ થયેલ વ્યારા વન વિભાગનો ટેબ્લો
માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકર કરવા વન વિભાગ વ્યારા પણ કટીબધ્ધ છે. જેનાથી આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર જનજાતિના સુત્રને ચરીતાર્થ કરવા તથા જંગલો પરની નિર્ભરતાં ઘટાડીને જનજાતિ આત્મનિર્ભર બને તે હેતુથી વ્યારા વન વિભાગ દ્વારા જનજાતિ સમુદાયની આર્થિક સ્થિતી સુધારવાના હેતુથી ગૌણ વન પેદાશનું એકત્રીકરણ કરીને યોગ્ય વળતર પ્રાપ્ત કરાવવા તથા ગૌણવનપેદાશનું મુલ્ય વર્ધન કરવા જીલ્લામાં ૩૮ વન ધન વિકાસ કેંદ્ર સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં ૬૦૮ સ્વ સહાય જુથોની ૧૧૦૮૦ મહિલાને આત્મ નિર્ભર બનવા સાથે સાથે વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુથી અન્ય પ્રકલ્પ જેવા કે, પરિસરીય પ્રવાસન, વનશ્રી રેસ્ટોરન્ટ વ્યારા અને ઉકાઇ ખાતે સહ્યાદ્રી વન ઉપ્તાદન કેંદ્ર, અંબિકા વોટર બોટલ, ગૌણ વન પેદાશ સંગ્રહ, મશરૂમ વાવેતર, મુસળી વાવેતર, ઉકાઇ ડેમ કાંઠાના વિસ્તારમાં ફીશીંગ માટે બોટ, જાળી આપીને આત્મનિર્ભર જનજાતિ તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ તમામ વિશેષતાઓના પરિણામે વન વિભાગના ટેબ્લોને ત્રિજા ક્રમે સ્થાન પ્રાપ્ત થયું હતું.
અત્રે નોંધનિય છે કે, પ્રજાસત્તાક પર્વે, નિમિત્તે કુલ-14 ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા “ગ્રામ વિકાસની યોજનાઓની ઝાંખી” અંગે, પંચાયત વિભાગ દ્વારા ચેકડેમથી સોલર અને મશીન આધારિત ઉદવહન સિંચાઇ યોજના” અંગે, ખેતીવાડી, બાગાયત અને આત્મા વિભાગ દ્વારા “પ્રાકૃતિક ખેતી” અંગે, નગરપાલિકા દ્વારા “આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતુ ગારબેજ કલેક્શન, સફાઇ તથા જંતુનાશક દવાના છંટકાવનો ડેમો”, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, તાપી દ્વારા “રોડ સેફ્ટી અને જન જાગૃતિ” અંગે, પાણી પુરવઠા વિભાગ (વાસ્મો), તાપી દ્વારા “લોક ભાગીદારી યુક્ત પેયજળ કાર્યક્રમ “જલ જીવન મિશન” (નલ સે જલ) અને જુથ પા.પુ. યોજનાની ઝાંખી” અંગે, દ.ગુ.વી.કં.લિ., વ્યારા દ્વારા “મકાન ઉપર સોર્ય સંચાલિત વીજ જોડાણ” અંગે, વ્યારા વન વિભાગ, વ્યારા દ્વારા “લાઇવલીહુડ ઓફ તાપી ફોરેસ્ટ” થીમ ઉપર, પશુપાલન શાખા, જિ.પં, તાપી (TASP સાથે) “બાયોગેસ પ્લાન્ટ” થીમ ઉપર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ‘શિક્ષણની યોજનાઓ” અંગે, તથા આઈ.સી.ડી.એસ, જિ.પં, તાપી દ્વારા પોષણ રથ “(મિલેટ વર્ષ અને પાદેશિક વાનગી)” થીમ આધારે ટેબ્લો મળી કુલ 14 ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતા.
26મી જાન્યુઆરી, 2023ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”’કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરડે તથા દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના અને કેનાલ રુફટોપથી સૌરઊર્જા ઉત્પાદનના નિદર્શને લોકોમાં આકર્ષણ જન્માવ્યું હતું. જ્યારે તાપી જિલ્લામાં સ્થાનિક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવા છતા સાંકૃતિક કાર્યક્રમ, વિભાગોના ટેબ્લો, પોલીસ પરેડ, ડોગ શોએ સમગ્ર ગુજરાતની ઝાંખી દર્શાવી હતી જેને ઉપસ્થિત સૌએ રોમાંચ-હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી.
-વૈશાલી પરમાર
૦૦૦૦૦૦૦૦૦૦