ઓલપાડની રાજનગર પ્રાથમિક શાળામાં મહેંદીભર્યા હસ્તે દીકરી નિધિ રાઠોડે ગર્વભેર તિરંગો ફરકાવી રાષ્ટ્રધર્મ ઉજાગર કર્યો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત રાજનગર પ્રાથમિક શાળામાં દેશનાં 74 માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામની જ પ્રાથમિક શાળામાં ભણી હાલ કેનેડા અને યુ.કે.માં વસતાં એન.આર.આઇ. મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
‘દીકરીની સલામ દેશને નામ’ અંતર્ગત દરેક ગામોમાં સૌથી વધુ ભણેલી દીકરીનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે. જે સંદર્ભે અત્રેની પ્રાથમિક શાળામાં ભણીને ઉચ્ચ અભ્યાસ કરતી ગામની દીકરી નિધિ યોગેન્દ્રસિંહ રાઠોડનાં હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ખૂબીની વાત એ છે કે દીકરી નિધિએ આજ દિવસે પોતાનાં જ લગ્ન પ્રસંગમાં અતિ વ્યસ્ત હોવા છતાં શાળામાં પોતાનાં મહેંદીભર્યા હસ્તે ધ્વજવંદન વિધિ પૂર્ણ કરી પોતાનો પવિત્ર રાષ્ટ્રધર્મ બજાવી સમાજમાં એક ઉમદા દાખલો બેસાડ્યો હતો. આ તકે શાળાનાં આચાર્ય જતીન પટેલ દ્રારા દીકરી નિધિનું શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં નિધિ રાઠોડે ગર્વભેર જણાવ્યું હતું કે મને સપનેય ખ્યાલ નહોતો કે મારી શાળામાં મારા જ હસ્તે ધ્વજ ફરકાવવાનો સંયોગ આવશે. આ અવસર મારા જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે. મારા લગ્નનાં દિવસે જ મને આ અમૂલ્ય તક પાઠવવા બદલ હું શાળાનાં આચાર્ય જતીન પટેલ તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું.
ઉજવણીનાં ભાગરૂપે શાળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત દેશની આન, બાન, શાન સમા આર્મીમેન અભયસિંહ રાઠોડનું શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાનાં શિક્ષિકા બહેનો અસ્મિતા પટેલ, વિજેતા પટેલ તથા કાવ્યની સેલરે ખડેપગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.