મારી શાળા સ્વચ્છ શાળાનાં સંકલ્પ સાથે ઓલપાડની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ સફાઈ કાર્યનો નવો ચીલો ચાતર્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણા જીવનમાં સ્વચ્છતાનું અતિ મહત્વ છે. પ્રસંગોપાત આપણે સૌ આપણાં ઘર, આંગણાં, શેરી કે ગામની સફાઈ કરતાં હોઈએ છીએ. બાળકો પણ નાનપણથી જ સ્વચ્છતાનાં પાઠ પોતાનાં માનસપટ પર અંકિત કરે તે માટે શાળામાં નિયમિત સફાઈ કાર્યનું આયોજન થતું હોય છે. જેને બાળકો હોંશે હોંશે કરતાં હોય છે. માતા સરસ્વતીનાં મંદિર સમી શાળામાં સ્વચ્છતા હશે તો બાળકો માટે આપોઆપ શિક્ષણનું પ્રેરક વાતાવરણ ઊભું થશે. આ બાબતને ધ્યાનમાં લઇ તાજેતરમાં રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ લીધેલી એક શાળાની મુલાકાતમાંથી પ્રેરણા લઈ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની તમામ 110 પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો, એસએમસી સભ્યો તથા વાલીજનોએ દૈનિક ધોરણે શાળામાં સફાઈ કાર્ય કરવાનાં સંક્લ્પ લીધાં હતાં.
આ બાબતે વધુ માહિતી આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતા સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપકભાઇ દરજીની અપીલને સમગ્ર જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓએ સહર્ષ સ્વીકારી છે. પોતાનાં શિક્ષકોને પણ શાળામાં સફાઈ કરતાં જોઈ બાળકોમાં નવી પ્રેરણા જાગશે. આ સાથે જ બાળકોનાં માધ્યમ થકી આ સંદેશો વાલીજનો સહિત સમગ્ર સમાજમાં પહોંચશે અને તેનાં પરિપાકરૂપે ભવિષ્યમાં એક હકારાત્મક વાતાવરણનું નિર્માણ થશે.
શાળામાં શિક્ષણકાર્ય પહેલાં સ્વચ્છતાને અગ્રીમતા આપવા શાળાનાં સૌ શિક્ષકો સહિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, ઇન્ચાર્જ બીટ નિરીક્ષકો અમિતભાઈ પટેલ તથા વિનોદભાઈ પટેલ, બી.આર.સી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તેમજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત સંઘનાં તમામ હોદ્દેદારોએ આ યજ્ઞકાર્યમાં જોડાઈને સૌને પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો. આ તકે શાળાના઼ં મુખ્યશિક્ષકો પોતાની શાળાને સ્વચ્છ અને સુઘડ રાખવા સ્થાનિક કક્ષાએ જવાબદારીઓ નક્કી કરી આ યજ્ઞકાર્યને અવિરત ચાલુ રાખવા પ્રતિબધ્ધતા દર્શાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other