BLO ની કામગીરી સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : શિક્ષણ એ સમાજ અને દેશનાં ઘડતરનો એક પાયો છે. જેથી શૈક્ષણિક કાર્ય પર ગંભીરતા રાખવી ખૂબ જરૂરી છે. જેનાથી વિપરીત સંજોગોમાં સમગ્ર જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો મતદારચાદી સુધારણાની કામગીરી અંતર્ગત BLO તરીકેની કામગીરી સતત કરી રહ્યા છે. આ કામગીરીમાં પડતી મુશ્કેલીઓ સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા સેવા સદન ખાતે આજરોજ મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ રાજેશ પટેલ તથા પરેશ પટેલ સહિતનાં હોદ્દેદારોએ આ તકે ધારદાર રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સદર કામગીરી આજદિન સુધી માત્ર પ્રાથમિક શાળાનાં શિક્ષકોને જ સોંપવામાં આવે છે. હાલમાં સરકારશ્રી દ્વારા સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. તેમજ દર શનિવારે બાળકોની એકમ કસોટી લઈ તેને તપાસી, કાચી રહેલ ક્ષમતાઓનું ઉપચારાત્મક કાર્ય કરી અને પુનઃ કસોટી લઈ ફેરતપાસ પણ કરવાની હોય છે. ઉપરાંત અભ્યાસક્રમ નિયત સમયમાં પૂર્ણ કરવાનો હોય છે જેથી કરી શૈક્ષણિક કાર્યભાર વધુ હોય છે. BLOની કામગીરીનાં કારણે શિક્ષણ ઉપર ખૂબ માઠી અસર પડે છે. તેમજ પરપ્રાંતનાં રહેણાંક વિસ્તારોમાં BLO તરીકે શિક્ષિકા બહેનોની નિમણૂંક કરવામાં આવેલ હોઈ તેમની સલામતી જોખમાય છે. સતત સુધારણા અંતર્ગત જાહેર રજાનાં દિવસો દરમિયાન કામગીરી કરવાની થતી હોઇ સામાજિક સંબંધો અને પ્રસંગોને પણ ન્યાય આપી શકાતો નથી. સદર BLOની કામગીરીમાં લાંબા સમયથી માત્ર પ્રાથમિક શાળાનાં શિક્ષકો જ કામ કરી રહ્યા હોઈ શિક્ષણ ઉપર ખૂબ વિપરીત અસરો પડી રહી છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે એક સંદર્ભ પત્રમાં દર્શાવેલ મુદ્દા નં – ૧, ૨ અનુસાર BLOની કામગીરી અન્ય ૧૪ જેટલી કેડરનાં કર્મચારીઓને પણ કરવાની થતી હોય છે અને મુદ્દા નં – ૧, ૫ નાં પેટા મુદ્દા – (d) મુજબ BLO તરીકે શિક્ષકોને ઓછામાં ઓછા સૂચિત કરવાનાં હોય છે. સદર BLOની કામગીરીમાંથી મુક્તિ બાબતે મતદારયાદી નાયબ મામલતદારશ્રીને આ અગાઉ પણ રૂબરૂ રજૂઆત કરેલ છે. પરંતુ આજદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. જેથી કરી અમોને લેખિત રજૂઆત કરવાની ફરજ પડી છે. જે બાબત ધ્યાને લઈ તમામ પ્રાથમિક શિક્ષકોને BLO અને સુપરવાઇઝર કામગીરીમાંથી મુક્તિ આપવાની આ સાથે નમ્ર અરજ કરવામાં આવી છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *