ચાલો જાણીએ, તાપી જિલ્લાએ રાજ્યપાલશ્રીને શુ ભેટ આપી?
રાજ્યપાલશ્રીને ભેટમાં આપેલ ધાન્યોનું તાપી જિલ્લામાં છે અનેરું મહત્વ
……………..
સ્વાસ્થ્યની દૃષ્ટીએ વિશેષ ગુણકારી છે લાલકડા, ઇન્દ્રાણી, આંબામોર ચોખા, નિઝરની પ્રખ્યાત દાદર ગોટી જુવાર, કોદરી, તુવેરદાળ અને અડદદાળ
————
આલેખન-વૈશાલી પરમાર
******
જિલ્લા માહિતી બ્યુરો, તાપી. તા.13: ‘અતિથિ દેવો ભવઃ’માં માનતી ભારતીય સંસ્કૃતિમાં મહેમાન કદી ખાલી હાથે આવતા નથી અને યજમાન પણ મહેમાનને ખાલી હાથે જવા દેતા નથી, એવી પરંપરા રહી છે. તાજેતરમાં ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી માટે રાજ્યના ખેડૂતોને સતત પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડનારા રાજયપાલશ્રી માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ટ અને યાદગાર ખાસ ભેટ પસંદ કરવામાં આવી હતી. તાપી જિલ્લાની ઓળખ સમાન વિવિધ ધાન્યો ભેટ સ્વરૂપે રાજ્યપાલશ્રીને આપવામાં આવ્યા હતા. તાપી જિલ્લો સમગ્ર ગુજરાતમાં લાલકડા, ઇન્દ્રાણી, આંબામોર ચોખા, નિઝરની પ્રખ્યાત દાદર ગોટી જુવાર, કોદરી, તુવેરદાળ, અડદદાળ માટે જાણીતો છે. તાપી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી દ્વારા પકવવામાં આવેલા આ ધાન્યોની રાજ્યપાલશ્રીના ભેટ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
*બોક્ષ-૧:*
*કયા ખેડૂતો દ્વારા પકવેલા ધાન્ય રાજ્યપાલશ્રીને ભેટ સ્વરૂપે અપાયા?*
લાલકડા એ વ્યારા તાલુકાના કાટકુઇ ગામે રહેતા પ્રાકૃતિક ખેતી કરતા શેલેષભાઈ છોટુભાઈ ગામીતના ખેતરની વિશેષતા છે. ઇન્દ્રાણી ચોખા વાલોડ તાલુકાના દેગામા ગામે રહેતા જંગલ મોડલથી ખેતી માટે પ્રખ્યાત જયેશભાઈ લલ્લુભાઈ પટેલના ખેતરના છે. આંબામોર ચોખા વાલોડ તાલુકાના અંધાત્રી ગામના પ્રજ્ઞેશભાઈ દિલીપભાઈ આહિરને ત્યાંથી આવ્યા છે. તાપી જિલ્લાની પ્રખ્યાત દાદર ગોટી જુવાર નિઝર તાલુકાના મુબારકપુરથી રાહુલભાઈ ઉધવભાઈ પટેલના ખેતરથી ખાસ મંગાવવામાં આવી છે. ઉચ્છલના માણેકપુરના પ્રખ્યાત પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહક રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના પ્રાકૃતિક ખેતરમાંથી તુવેર દાળ લાવવામાં આવી છે. સોનગઢના સિંગપુરના પ્રાકૃતિક ખેતી કરતા મહિલા ખેડૂત અરવિંદાબેન અજીતભાઇ ગામીતના ખેતરથી વિશેષ ગુણકારી અડદ દાળ લાવવામાં આવી છે. અને સોનગઢના ખોગલગામના બાબુભાઇ ઉમરીયાભાઇ ગામીતના ખેતરથી હલકા ધાન્યમા વિશેષ મહત્વ ધરાવતી કોદરી મંગાવવામાં આવી છે.
*રાજ્યપાલશ્રીને ભેટમાં આપવામાં આવેલ પરંપરાગત ધાન્યોનું શું મહત્ત્વ છે અને તેના ફાયદા શું છે, તે પણ જાણીએ:*
*લાલકડા:* તે એન્ટિઓક્સિડન્ટ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે. તે હૃદય રોગ અટકાવવા, હાડકાના સ્વાસ્થ્ય, અસ્થમા સામે લડવા, ચરબી રહિત તેમજ ફાઇબર/રેસાનો ભરપૂર સ્રોત હોવાથી સ્થુળતા ઘટાડે છે. ન્યુટ્રીશનની માત્રા વધુ હોવાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. ઝીરો ટકા ફેટ હોવાથી બ્લડપ્રેશરના દર્દીઓને ફાયદાકારક છે.
*ઇન્દ્રાણી:* બાસમતીની જેમ ઇન્દ્રાણી-ચોખાની એક સુગંધિત જાત છે. મોડર્ન ભાષામાં આપણા બ્રાઉન રાઇસ. ડાયેટરી ફાઇબરથી ભરપૂર, બ્રાઉન રાઈસ ચયાપચયને વેગ આપે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા, આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરવા, પર્યાપ્ત માત્રામાં વિટામિન-બી મેળવવા અને સ્ટ્રોક, હૃદય રોગ અને ડાયાબિટીસના જોખમને રોકવા માટે બ્રાઉન રાઈસ ભોજનમાં લેવાય છે.
*આંબામોર:* મૂળ આદિવાસીઓનું ભાત કહેવાય છે. તાપી જિલ્લામાં ખાસ ચલણમાં છે. સાબુ દાણા જેવા ગોળકારના ચોખા હોય છે. તેને રાંધવામાં વધારે પાણી જોઈએ છે. તે મોટે ભાગે ડુંગરાળ વિસ્તારોમાં આદિવાસી સમુદાય દ્વારા ઉગાડવામાં આવે છે અને સારા સ્વાસ્થ્ય જાળવવા માટે તેની મુખ્ય ભૂમિકા રહેલી છે.
*દાદર ગોટી જુવાર:* ભારતમાં જુવારની મોટા પાયે ખેતી થાય છે. તે અત્યંત આરોગ્યપ્રદ અને ઘઉંનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કેલ્શિયમ, ઝીંક અને આર્યનની ઊણપને દૂર કરે છે. અને જુવાર ગ્લુટેન ફ્રી હોય છે. વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે. તાપી જિલ્લાના નિઝર તાલુકાની ગોટી જુવાર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આયર્નનો સારો સ્ત્રોત ગણાતી જુવાર એનિમિયા અટકાવવામાં મદદ કરે છે.
*કોદરી:* કોદરીના દાણા રાઇથી થોડા મોટા, લાલ અને ફોતરીવાળા હોય છે. ડાયાબિટીસ અને હાઇબ્લડ પ્રેશરના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે. હરસ મસાના રોગીઓને દરરોજ કોદરીનો ભાત બનાવી કોઈ પણ પ્રકારના જ્યુસમાં ભેળવીને આપવાથી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
*તુવેરદાળ:* રોજબરોજ ખવાતી તુવેરદાળના ઘણા ફાયદા છે. તેના સેવનથી ઘણા પ્રકારની સમસ્યાઓ અને પોષકતત્ત્વોની કમી દૂર થાય છે. વાસ્તવમાં તુવેરદાળમાં ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ મળે છે. સાથે જ તેમાં ઝીંક, કોપર, સિલેનિયમ અને મેંગેનીઝ જેવા તત્ત્વો પણ જોવા મળે છે, જેની મદદથી શરીરનું પાચન તંત્ર સરખું રહે છે. સાથે જ તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે, જેની મદદથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આ સિવાય હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસને પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.
*અડદદાળ:* તેને ફોતરાવાળી દાળ પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં આ દાળને આયુર્વેદિક દવાઓના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. તેના આયુર્વેદિક નામ ‘માશા’ છે. અડદની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, ફેટ, આયર્ન, ફોલિક એસિડ, વિટામીન બી, કેલ્સિયમ, મેગ્નિશિયમ અને પોટેશિયમ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જ કારણથી આ દાળ ગર્ભવતી મહિલાઓ માટે એક હેલ્થ પેકેજની માફક કામ કરે છે. અડદની દાળને તમારા ભોજનમાં સામેલ કરી તમે ડાયેરિયા, કબજીયાત, પેટમાં સોજા જેવી મુશ્કેલીથી છૂટકારો મેળવી શકો છો. તેનીથી એનર્જી મળે છે, હાડકાને મજબૂત કરે છે, નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે, ડાયાબિટીસને નિયંત્રિત રાખે છે, સાંધા અને માંસપેશિઓના દુખાવામાં આરામ આપે છે.
આ ધાન્યો સમગ્ર દેશના પરંપરાગત ધાન્યો છે. તાપી જિલ્લાના પણ આદિવાસી સમુદાય દ્વારા વિશેષ પસંદગી પામતા ધાન્યો છે. સમય જતાં આ પાકોની હાઇબ્રિડ જાતો ઉગાડતા થયા, જેના કારણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતા સમગ્ર દેશમાં આ પાકો લુપ્તતાના આરે પહોચ્યા છે. જેનાં પગલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ-૨૦૨૩ને વિશ્વભરના ૭૦થી વધુ દેશોના સમર્થન સાથે ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ જાહેર કર્યું હતું. મિલેટના આ વર્ગમાં ભારતમાં ૨૫ પ્રકારના ધાન્યનો સમાવેશ થાય છે. આ ધાન્ય હાલ લુપ્ત થવાના આરે છે. જે હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી ફરીથી જીવંત થશે.
તાપી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરી વધુ નફો મેળવે તે હેતુસર આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરેલો, જેનાથી પ્રેરિત થઈને જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. રાજ્યપાલશ્રીની પ્રેરણા અને પ્રયાસો એળે ન જાય અને રાષ્ટ્રનિર્માણમાં ઉપયોગી બને, એવા પ્રયાસો તાપી જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
0000000000