તાપી જિલ્લામાં જંગલ મોડેલ આધારિત ખેતી ક્ષેત્રે સફળતા
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ દેગામા ગામે રહેતા ખેડૂતમિત્ર જયેશભાઇ પટેલે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતિની પ્રેરણાથી એક ડગલુ આગળ વધીને જંગલ મોડેલ આધારિત ખેતીમાં મેળવી સફળતા
……………………….
પ્રાકૃતિક ખેતી કરતા બીજા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે ખેડૂતોને દેશી બિયારણની સિડ બેંક પ્રોવાઇડ કરીએ છીએ- જયેશભાઇ પટેલ
………………………
પ્રાકૃતિક ખેતીથી આપણા સ્વાસ્થ્યમાં સુધારો આવશે, જમીન સુધારાની સાથે સાથે પાણીનું સ્તર પણ ઉપર આવશે – જયેશભાઇ પટેલ
-આલેખન- સંગીતા ચૌધરી
માહિતી બ્યુરો,વ્યારા-તાપી.તા.06: ગુજરાત સરકાર અને રાજ્યના ગવર્નર માનનીય આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ભાર મૂકી રહ્યાં છે. ત્યારે તાપી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. આત્મા- પ્રોજેક્ટ તાપીના સહયોગથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે તાપી જિલ્લાનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતગર્ત રાસાયણિક દવા અને ખર્ચાળ ખાતરની ખેતીને અલવિદા કહી હવે ગુજરાતના ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વળી રહ્યાં છે. ત્યારે આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ દેગામા ગામે રહેતા ખેડૂતમિત્ર જયેશભાઇ પટેલે પ્રાકૃતિક ખેતીમાં એક ડગલુ આગળ વધીને જંગલ મોડેલ આધારિત ખેતીની શરૂઆત કરી છે. આજે જયેશભાઈ પોતે છ વીઘા જમીનમાં જંગલ પધ્ધતિથી ખેતી કરી જાત જાતના પાકો મેળવી સારી એવી આવક મેળવી રહ્યા છે.
જયેશભાઇ લલ્લુભાઇ પટેલ જાણાવે છે કે, તેઓ પહેલા સામાન્ય પ્રણાલિકા મુજબ ડાંગર,તુવેર,મકાઇ જેવા પાકોની ખેતી કરતા હતા જેમા ઉત્પાદન ઓછુ અને ખર્ચ વધુ થતો હતો. એક સિઝ્નમા એક જ પાક હમેશા ઓછો ફાયદાકરક નિવડતો, ખેતી ખર્ચ જ વધારે હોવાથી નહિવત ફાયદો થતો હતો.
આવા સમયે ઓછા ખર્ચે વધુ પાક અને રસાયણમુક્ત પાક કેવી રીતે ઉપજાવવો તે અંગે વિચાર આવતા તેઓ તાલિમ અને પ્રેરણા સ્ત્રોતરૂપ એવા આત્મા પ્રોજેક્ટ યોજનામાં જોડાયા, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતિની તાલીમ લીધી તથા ખેડૂતોના અભિપ્રાયો તેમજ વિવિધ પ્રગતીશીલ ખેડુતોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ખર્ચ વગર ખેતી અંગે ખેડુતો જોડેથી પ્રેરણા લઈ પ્રાકૃતિક ખેતિમાં ઝંલાવ્યું. ઉપરાંત પાકોની ખેતી વીશે વધુ જાણકારી મેળવી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતિ દ્વારા ખેતી કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી ત્યાર બાદ રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસ દરમ્યાન કૃષિ યુનિ.ના સંપર્ક દ્વારા મળતી માહિતીથી તેમણે શાકભાજીના પાકોની ખેતી વિશે વધુ જાણકારી મેળવી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી. નવસારી કૃષિ યુનિ.,કે.વી.કે વ્યારા, આણંદ અગ્રીકલ્ચર યુનિ. ની મુલાકાત લઇ પ્રેરણા મેળવી હતી.
જયેશભાઈ પટેલ જણાવે છે કે, તેઓ 2016 થી સુભાષ પાલેકર ખેતી કરે છે. 2016 થી પ્રાકૃતિક ખેતીમાં હાઇબ્રેડ અને રાસાયણિક ખાતરથી ખેતી કરવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ ત્યારબાદ મેં 2019 થી દેશી બિયારણ વાપરવાની શરૂઆત કરી અને આજે અમે 35 જેટલા જુદા જુદા પ્રકારના શાકભાજીના બિયારણોના સીડ બનાવ્યા છે અને આ સીડ બેંક દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા બીજા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે ખેડૂતોને દેશી બિયારણની સિડ બેંક પ્રોવાઇડ કરીએ છીએ
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, વાલોડ તાલુકામાં જુદા જુદા આઠ જેટલા જંગલ મોડેલ બનાવવા જઈ રહ્યા છીએ. જેમને અમે આ સીડ બેંક પ્રોવાઇડ કરીએ છીએ,માર્ગદર્શન પણ આપીએ છીએ તેઓને વધુમાં વધુ પ્રાકૃતિક જંગલ ખેતી કેવી રીતે કરી શકાય તે અંગેનું અમે માર્ગદર્શન પૂરું પાડતા હોઈએ છીએ.આજે અમે સુભાષ પાલેકર ખેતીના સફળ પ્રયોગ દ્વારા વાલોડ તાલુકાના પંચોલ ગામમાં ત્રણ વિંઘા જમીનમાં ફોરેસ્ટ ખેતી ઉભી કરવા જઈ રહ્યા છીએ.
જયેશભાઇ પટેલ જાણાવે છે કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક પધ્ધતિથી પ્રેરણા લઈને પ્રાકૃતિક જંગલ મોડેલનુ ફાર્મ તૈયાર કર્યુ છે. જેમા મેં આખા વર્ષ દરમ્યાન પાકોનુ સંચાલન અને બજાર માંગના આધારે પાકોનુ વાવેતર અને યોગ્ય રોપણી કરી ઉત્કૃષ્ઠ મોડેલ ફાર્મની રચના કરી છે. શાકભાજી પાકોમા મુખ્યત્વે રીંગણ,પરવળ,ટામેટા તથા દુધીનુ ઉત્તમ પ્રકારના બિયારણની પસંદગી કરી,ડ્રીપ ઇરીગેશન દ્વારા પ્રવાહી ખાતરોનો ઉપયોગ કરી,સેંદ્રીય ખેતી પધ્ધતિનો ઉપયોગ કર્યો છે.ડ્રીપ ઇરીગેશન દ્વારા દરેક છોડને પુરતા પ્રમાણમાં પ્રવાહી ખાતર અને જરૂરી માત્રામાં પાણી મળી રહે છે જેથી સારી ગુણવત્તા વાળા પાકો લઇ શકાય તથા બજાર ભાવ પણ સારો મળે છે. માંડવા પધ્ધતિથી વેલાવાળા શાકભાજીના પાકો લાંબા સમય સુધી ટકાવી શકાય છે.સહેલાઇથી વીણી શકાય છે.
જયેશભાઇ પટેલની સિધ્ધિ જોઇને આજુબાજુના ગામોના ખેડુતો તેમના માર્ગદર્શન હેઠળ ખેતી કરવા પ્રેરાયા છે. તેઓએ દશપર્ણીઅર્ક,નીમાસ્ત્ર,બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરેલ છે.જેમા ખુબજ સારુ પરિણામ મેળવી શક્યા છે.સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતિમા રોગની જીવાત માટે પણ એમણે દશપર્ણીઅર્ક,નીમાસ્ત્ર,બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે.જેમા ખુબજ સારુ પરિણામ મેળવી શક્યા છે.
આજે જયેશભાઇ એક સફળ ખેડુત તરીકે ઉત્પાદન ખર્ચ ઘટાડીને આજુબાજુના ખેડુતોના પ્રેરણારૂપ સ્ત્રોત બન્યા છે. પોતાના ખેતરે તાલીમોનુ આયોજન કરી ખેડુતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડે છે એમના થકી વાલોડ તાલુકાના ઘણા ખેડુતો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ તેમના માર્ગદર્શન હેઠળ ખેતી કરવા પ્રેરાયા છે.
તદઉપરાંત કે.વી.કે વ્યારાના વૈજ્ઞાનિકો દ્વારા ખેતરની મુલાકાત તેમજ જિલ્લાના ડી.ડી.ઓ સાહેબશ્રી, ખેતિવાડી વિભાગના સંયુકત ખેતી નિયામકશ્રી, જિલ્લાની ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ આસપાસના જિલ્લાના ખેડુતો દ્વારા “ખેતરે કિશાન ગોષ્ઠી”નુ આયોજન જેવી પ્રવૃતીઓ પણ કરવામા આવી રહી છે.
જયેશભાઇનો ઉત્પાદન ખર્ચે, અને નફાનો રેસ્યો જોઇએ તો, વર્ષ ૨૦૧૮-૧૯ આવક.૨,૬૦,૦૦૦ રૂ સામે ખર્ચ ૬૧,૦૦૦ રૂ. અને નફો ૧,૯૯,૦૦૦ રૂનો થયો હતો જેની સામે વર્ષ ૨૦૨૦-૨૧ આવક ૫,૭૨,૨૫૦ સામે ખર્ચ ૫૦,૦૦૦ રૂ., નફો ૫,૧૨,૨૫૦રૂ થયો હતો.
જયેશભાઈ તાપી જિલ્લાના અન્ય ખેડૂતને અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીના કારણે આજે જળ-જમીન, પર્યાવરણ દુષિત થઇ રહ્યા છે. આપણે ધરતી માતાને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી દુષિત કરી છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ, રાસાયણિક ખેતીથી ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે. જેના કારણે કિસાનોની આવક સતત ઘટતી રહી છે. જો આપણે પ્રાકૃતિક ખેતી કરીશુ તો આપણા સ્વાસ્થ્યમાં સુધારો સાથે જમીનનું સ્તરમાં સુધરો આવશે સાથે સાથે પાણીનું સ્તર પણ ઉપર આવશે પ્રાકૃતિક ખેતી કરવાથી અનેક ફાયદાઓ થશે.
000000000000000