પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજનાના આગામી હપ્તા માટે e-KYC કરાવવું ફરજીયાત
પી. એમ. કિસાન યોજના હેઠળના લાભાર્થી ખેડૂતોને ૩૧ ડિસેમ્બર સુધીમાં ફરજીયાત e-KYC કરવા અનુરોધ કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી
…………….
માહિતી બ્યુરો તાપી, તા.28: ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ખેડૂત કુટુંબને રૂપિયા ૨૦૦૦ ના ત્રણ સમાન હપ્તા મુજબ વર્ષિક રૂ. ૬૦૦૦ ની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આગામી ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા સહાયનો આગામી હપ્તો જમા થનાર છે. ભારત સરકારશ્રીની સુચના મુજબ લાભાર્થી ખેડૂતોએ આગામી હપ્તો લેવા માટે e-KYC અને બેંક ખાતામાં આધાર સિડિંગ ફરજીયાત કરાવી લેવાનું રહેશે. જે ખેડૂતોનું e-KYC કરાવવાનું બાકી છે તેમણે તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં ફરજીયાત કરાવી લેવાનું રહેશે.
ખેડૂતો e-KYC વહેલી તકે પૂર્ણ કરે તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકશ્રીઓ મારફ્ત વ્યક્તિગત સંપર્ક કરી e-KYC કરાવવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. દરેક ગ્રામ પંચાયત કચેરી પર બાકી e-KYC વાળા ખેડૂતોની પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ માટે લાભાર્થી જાતે મોબાઇલ પરથી આધાર e-KYC કરી શકશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકાશે. ગ્રામ પંચાયત ખાતેના e-Gram સેન્ટર પર વી.સી.ઇ. મારફત, નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતેથી પણ e-KYC કરાવી શકાશે. તાપી જિલ્લામાં કુલ ૯૯૯૮૦ એકટીવ ખેડૂતો પૈકી ૭૪૧૦૨ ખેડૂતોએ e-KYC કરાવી લીધુ છે. જયારે ૨૫૮૭૮ ખેડૂતોએ હજુ સુધી e-KYC કરાવ્યું નથી. જેથી સત્વરે આ કાર્યવાહી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવે છે.
વધુમાં ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવા માટે આધાર e-KYC અને બેંક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવું ફરજીયાત છે. લાભાર્થીએ પોતાના એક્ટીવ બેંક ખાતા સાથે જે-તે બેંકમાં રૂબરૂ જઇ આધાર લીંક કરાવવુ ફરજીયાત છે. એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તાપીની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦