ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલા FST, SST,VVT, VST, MCC, MCMC ટીમ એકાઉન્ટિંગ ટીમ વગેરેને સાથે ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આંનદ કુમાર સાથે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી આંનદ કુમારે ચુંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમો સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું.
———-
વિડીયો સર્વેલન્સ, ફ્લાઇંગ સ્કવોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ, એમસીએમસી વિગેરેની કામગીરીની માહિતી મેળવતાં ઓબ્ઝર્વરશ્રી આંનદ કુમાર
———-
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા: 06 ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ અન્વયે તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧- વ્યારા(અ.જા.જા) અને ૧૭૨- નિઝર (અ.જા.જા.) વિધાનસભા મતવિસ્તારની તા.૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે, જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચ દ્વારા નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરીક્ષક આંનદ કુમારે વ્યારા ખાતે કલેક્ટર કચેરીના સભાખંડ માં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી ભાર્ગવી દવે તથા જિલ્લા વિકાસ ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમોના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ સાથે બેઠક યોજીને આ ટીમોએ કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેની સાથોસાથ આંનદ કુમારે પ્રત્યેક ટીમના વડાશ્રીઓ સાથે પણ સીધો સંવાદ કરીને આ અગાઉ ભૂતકાળમાં ચૂંટણીલક્ષી બજાવેલી વિવિધ ફરજો અને જવાબદારીઓની પણ તેમની પાસેથી જાણકારી મેળવી હતી.
આદર્શ આચાર સંહિતાના નોડેલ અધિકારી સુશ્રી અંકિતા પરમાર, લાયઝન અધિકારીશ્રી સહિત ફ્લાઈંગ સ્કોડ, SST,VVT,VST,MCC, ફરિયાદ નિકાલ કંટ્રોલરૂમ, એકાઉન્ટિંગ ટીમ, મીડિયા નોડેલ અધિકારી વિગેરે સંબંધિત ટીમોના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રીય ખર્ચ નિરિક્ષકશ્રી આંનદ કુમારે તાપી જિલ્લામાં યોજાનારી ઉક્ત બંને વિધાનસભા મત વિસ્તારની બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે જોવાનો ખાસ અનુરોધ કરી પ્રત્યેક ટીમોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવવા અને જે તે ટીમે તેમની કામગીરીમાં ઝીણવટભરી બાબતોને પણ ધ્યાનમાં લેવાની સાથો-સાથ ચૂંટણી ખર્ચ બાબતે સંકળાયેલી તમામ ટીમોએ એકબીજા સાથે સુસંકલન જળવાઈ રહે તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી.
કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી આંનદ કુમારે ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી ઉક્ત તમામ ટીમોને ઉમેદવાર દીઠ નિયત કરાયેલી ખર્ચ મર્યાદા સહિતની જાણકારી સાથે ચૂંટણીલક્ષી ખર્ચ આદર્શ આચારસંહિતા તથા મુક્ત અને ન્યાયી ચુંટણીની બાબતને ખાસ લક્ષમાં લઈ પ્રત્યેક ટીમને તેમની ફરજો ચીવટ પૂર્વક અદા કરવા જણાવ્યું હતું. અને પ્રત્યેક ટીમોએ પોતે જે-તે દિવસે કરેલી કામગીરીનો નિયત સમયસુચીમાં ઉપલી કક્ષાએ વાકેફ કરવા જણાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી ભાર્ગવી દવે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે જરૂરી છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌ સતર્ક અને જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો કર્મયોગી ભાવનાથી બજાવીએ તે જરૂરી છે.
*તાપી જિલ્લાના પ્રજાજનો, રાજકિય પક્ષો, ઉમેદવારો, તેમના સમ્ર્થકો વગેરેને ચૂંટણી ખર્ચ સંબંધિત કોઇ પણ ફરિયાદ કે રજુઆત સંદર્ભે ખર્ચ નિરીક્ષક ઓબ્ઝર્વરશ્રી આંનદ કુમારને મો.9427668835 અને અથવા ચુંટણી ખર્ચ નિરીક્ષક શ્રી, 171- વ્યારા અને 172- નિઝર, બ્લોક નં 08 પ્રથમ માળ,જિલ્લા પંચાયત કચેરી તાપી, જિલ્લા સેવા સદન તાપી – વ્યારા ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.*
આ બેઠકમાં આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, એકાઉન્ટ ટીમ, સ્ટેટિક સર્વિલન્સ ટીમ, ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો વ્યુઈંગ ટીમ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ, એમસીએમસી ટીમ વગેરેના અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં દરેક ટીમોને ચૂંટણીને અનુલક્ષીને કરવાની થતી કામગીરી વિશે વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દિલિપસિહ ગોહિલ તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સીએમ જાડેજા,એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના બંને વિધાનસભા મત વિસ્તારના નિમાયેલ નોડલ ઓફિસરશ્રીઓ તથા ચુંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ તમામ ટીમોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
00000000000000