9મી શૈક્ષણિક આંતરરાષ્ટ્રીય એશિયા-પેસિફિક પ્રાદેશિક પરિષદમાં કિરીટ પટેલ સહભાગી થયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવા પરિપ્રેક્ષ્યો, તાજા વિચારો અને શિક્ષણ ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ માટે યોગ્ય કાર્યકારી પરિસ્થિતિઓ, તમામ બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ ટકાઉ અને બધાં માટે ન્યાયી ભવિષ્ય પ્રાપ્ત કરવા માટે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનાં હેતુસર 9 મી એજ્યુકેશન ઇન્ટરનેશનલ એશિયા-પેસિફિક (EIAP) રીજીનલ કોન્ફરન્સ કંબોડિયાનાં સીમ રીપ શહેરમાં યોજવામાં આવી હતી.
“Transforming Education: Breakthrough Opportunities for Equal and Inclusive Education for All.” એ થીમ ઉપર યોજાયેલ આ પરિષદમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રામપાલસિંહ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ સહભાગી થયા હતાં.
આ પ્રાદેશિક પરિષદ સંદર્ભે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાઉન્સિલર એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કંબોડિયન શિક્ષણ યુનિયનોનાં પદાધિકારીઓ દ્વારા સહભાગીઓનું પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ઉચ્ચ સ્તરીય પ્રેરક પ્રસ્તુતિઓ સાંભળવાનો અનેરો આનંદ પ્રાપ્ત થયો. “એશિયા-પેસિફિકનું પુનઃનિર્માણ: ટકાઉ ભવિષ્ય તરફ મોખરે શિક્ષકો અને તેમનાં યુનિયનો” વિષયક વાર્તાલાપ થકી અન્ય દેશોનાં યુનિયનો સાથે પોતપોતાનાં અનુભવોનું આદાન-પ્રદાન કરવાની અસાધારણ તક મળવા પામી જે અવિસ્મરણીય છે.
કંબોડિયા ઈન્ડિપેન્ડન્ટ ટીચર્સ એસોસિએશન (CITA) નાં પ્રમુખ ઓક ચયાવીએ સૌ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *