માંડવીની વેગી પ્રાથમિક શાળાનાં આચાર્ય એરિક ખ્રિસ્તીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : માંડવી તાલુકાની વેગી પ્રાથમિક શાળાનાં આચાર્ય અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યાધ્યક્ષ એવાં એરિકભાઈ ખ્રિસ્તીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને વેગી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સ્થાનિક પ્રાથમિક શાળાની બાળાઓએ રજૂ કરેલ પ્રાર્થના સ્વાગત દ્વારા કરવામાં આવી હતી. માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મરુવ્રત ચૌધરી દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા નિવૃત્ત થનાર એરિકભાઈનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, ટીચર્સ સોસાયટી તેમજ કેન્દ્ર શાળા, સ્થાનિક શાળા સ્ટાફગણ તથા ગ્રામજનો દ્વારા પણ શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપીને એરિકભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે એરીકભાઈ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં સંગઠનની વાતો તેમજ શાળા સ્ટાફ અને ગ્રામજનોનાં સહકારની વાતોને વાગોળતાં વાગોળતાં ભાવવિભોર બન્યા હતાં.
સમારંભનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં એરીકભાઈની કામગીરીને બિરદાવીને તેમનાં નિવૃત્ત જીવનની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની શોભા વધારવા ગામનાં સરપંચ, એસએમસીનાં સભ્યો, ગોકુળભાઈ પટેલ, જૈમીનભાઇ પટેલ, બચુભાઈ વસાવા, રીનાબેન રોઝલીન, સુધાકરભાઈ ગામીત, બળવંતભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ, બિપીનભાઈ વસાવા, અનિલભાઈ ચૌધરી, પ્રફુલભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ, વિશ્વજીતભાઈ ચૌધરી જેવાં મહાનુભાવો સહિત દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મંત્રીઓ અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
સદર વિદાય સમારંભમાં ભોજન સહિતની સમગ્ર વ્યવસ્થા વેગી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન માંડવી તાલુકા સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. એમ ઇમરાનખાન પઠાણ તથા વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.