તાપી જિલ્લાના એકમાત્ર મહિલાઓ સંચાલિત સમરસ ચિખલવાવ ગામે ગ્રામસભા યોજાઈ
સમગ્ર તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા માસ કોમ્યુનિકેશન કેમ્પેઈન ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર દરમિયાન સ્વચ્છ અને રળિયામણું ગામ બનાવવા ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૨- રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દરેક ગામડાઓ સ્વચ્છ અને સુંદર બને તે માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવે છે. તાપી જિલ્લામાં ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર દરમિયાન સ્વચ્છ અને રળિયામણું ગામ બનાવવા ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની આડ અસરોથી સાવચેત કરાયા હતા.
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં એકમાત્ર મહિલાઓ સંચાલિત સમરસ ચિખલવાવ ગામે આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી દિપ્તિ રાઠોડના અધ્યક્ષ સ્થાને સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી. આ સૂચિત કામગીરીમાં પ્રથમ તબક્કા ૧૫ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન સંવેદનશીલ જગ્યાઓની સાફ-સફાઈ કરવી, સામુહિક જનજાગૃતિના પ્રયાસ કરવા,એકત્રિત થયેલા કચરાનું સેગ્રીગેશન કરવું, નાગરિકોમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે પ્રચાર-પ્રસાર કરવો,બાળકો-યુવાનોને રેલીમાં જોડવા,ગૃપ મીટીંગ કરવી,શાળાના બાળકો દ્વારા નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા,શેરી નાટકો, વિગેરે પ્રવૃત્તિઓ યોજીને આ ઝૂંબેશમાં મહત્તમ લોકોની જનભાગીદારી થાય તે સુનિશ્ચિત કરવું.
ચિખલવાવ ગામે ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલી ગ્રામસભામાં સ્વચ્છતાના શપથ લેવાયા હતા. તેમજ GEM પોર્ટલ મારફતે કચરા એકત્રિકરણના વાહનો, ઈ-કાર્ટ બેટરી સંચાલિત વાહનો ખરીદવા, ઘરે ઘરેથી પ્લાસ્ટિક જેવા અજૈવિક કચરાનું એકત્રિકરણ,જળાશયો નજીકના વિસ્તારો સ્વચ્છ કરવા,તેની આસપાસ વૃક્ષારોપણ કરવું, સિંગલયુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ લાદવા અંગેના ઠરાવ કરાયા હતા.ગ્રામસભામાં તાલુકા સભ્ય શિવાભાઈ ગામીત, સરપંચ, તલાટી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા