તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામના રહેવાસી અરવિંદભાઇ પટેલની દિકરી હેનિ પટેલે “વિદેશ અભ્યાસ લોન” થકી વિદેશમાં જઇ ઉચ્ચ અભ્યાસ કરવાના સ્વપ્નને કર્યુ સાકાર: “વિદેશ આભ્યાસ લોન” થકી 15 લાખ રૂપિયાની લોન મળી

Contact News Publisher

“ વિદેશ જઈ એજ્યુકેશન મેળવવું એ ફક્ત મારું જ નહિં પરંતુ મારા પરિવારનું પણ સ્વપ્નું હતું”- હેનિ પટેલ (લાભાર્થી)
………………………
“મારી દિકરીનું વિદેશ જઈને ભણવાનું અને વિદેશમાં જ નોકરી મેળવવાનું સ્વપ્નું ગુજરાત સરકારે સાકાર કર્યું”: પટેલ અરવિંદભાઇ (લાભાર્થીના પિતા)
………………………
-આલેખન-સંગીતા ચૌધરી
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા. ૨૦ ગુજરાતમાં વિદ્યાર્થીઓને વિદેશ જઇ ઉચ્ચ અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા આર્થિક રૂપે મદદ કરવા માટે “વિદેશ અભ્યાસ લોન” સહાય શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેમને ૪ % સાદા વ્યાજના દરે ૧૫ લાખ “વિદેશ અભ્યાસ લોન” આપવામાં આવે છે.
આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે પછાતવર્ગ (EBC) ના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી,(વિકસતિ જાતિ)ની કચેરી દ્વારા સંચાલન કરવામાં આવે છે.
તાપી જિલ્લા ખાતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (વિ.જા) -તાપી દ્વારા જિલ્લામાં વસતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે પછાતવર્ગ (EBC) ના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટે “વિદેશ અભ્યાસ લોન” આપવામાં આવે છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામના રહેવાસી અરવિંદભાઇ પટેલ પોતાની દિકરી હેનિ પટેલના વિદેશમાં જઇ ઉચ્ચ અભ્યાસ કરવાના સ્વપ્નને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી “વિદેશ અભ્યાસ લોન” યોજના થકી સાકાર કરી શક્યા તેથી તેઓ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ)ની કચેરી- તાપીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે,”મારી દિકરી હેનિ પટેલ ભણવામાં હોંશિયાર હતી અને મેડિકલ લાઇનમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઇ આગળનો અભ્યાસ પુર્ણ કરવા માગતી હતી. પરંતુ મારી આર્થિક પરિસ્થિતી એટલી સારી ન હતી કે દિકરીને વિદેશ ભણવા માટે મોકલી શકું પરંતુ જયારે મને ગુજરાત સરકારની “વિદેશ અભ્યાસ લોન” વિશે જાણકારી મળી ત્યારે તરત જ હું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ)ની કચેરી- તાપી ખાતે પહોંચી આ યોજના વિશે વધારે માહિતી મેળવી ત્યાર બાદ મેં મારી દિકરી માટે આ યોજના થકી લોન લેવાનું નક્કી કર્યું હતું.
ત્યાર બાદ મેં આ યોજનાને સંલગ્ન તમામ શરતો સ્વીકારી અને દિકરી માટે 4% સાદા વ્યાજના દરે ૧૫ લાખ રૂપિયાની લોન મળી હતી જેમાં પ્રથમ હપ્તે ૭.૫ લાખ રૂપિયા અને બીજા હપ્તે ૭.૫ લાખ રૂપિયા આમ, બે હપ્તામાં લોન મેળવી હતી. આ યોજના થકી આજે હેની કેનેડા જઇ મેડિકલ લાઇનમાં ફિઝિયોથેરાપી આસિસ્ટન્ટનો અભ્યાસ પુર્ણ કર્યો છે. હાલ મારી દિકરી હેની સારી રીતે કેનેડા ખાતે નોકરી કરી રહી છે. આજે અમારો પરિવાર ખૂબ જ ખુશ છે કે દિકરીનું વિદેશ જઈ ભણવાનું સ્વપ્ન અને વિદેશ માં જ નોકરીનું સ્વપ્નું પણ સાકાર થઇ ગયું. આજે હું સરકારની સહાયથી બેવડી ખુશી વ્યક્ત કરું છું.
વધુમાં અરવિંદભાઇ પટેલ જાણાવે છે કે, દિકરીને વિદેશ ભણવા જવાના સ્વપ્નને સાર્થક કરવા ગુજરાત સરકારની આ યોજના ઘણી મદદરૂપ રહી છે. ગામમાં બીજા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે અને આ યોજનાનો લાભ મેળવે તેવી આશા સહિત હું ગુજરાત સરકારનો ખુભ ખુભ આભાર વ્યક્ત કરું છું.

આ યોજનાની લાભાર્થી હેની પટેલ જણાવે છે કે, વિદેશ જઈ એજ્યુકેશન મેળવવું એ ફક્ત મારું જ નહિં પરંતુ મારા પરિવારનું પણ સ્વપ્ન હતું અને જેને ગુજરાત સરકારની “વિદેશ અભ્યાસ લોન” દ્વારા સાકાર કરી શકયા છે.
કેનેડા ખાતે ફિઝિયોથેરાપિસ્ટ તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને આજે હું ફિઝિયોથેરાપી આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. આ વિદેશ અભ્યાસ અર્થે લોન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી તાપી દ્વારા મળી હતી. જેથી હું ગુજરાત સરકાર અને તાપી જિલ્લાના વહિવટી તંત્ર સહિત સક્રિય અધિકારી/કર્મચારીઓનો ખુબ ખુભ આભાર માનું છું અને આ લોન મારા જેવા તમામ સ્ટુડન્ટ્સને મળવી જોઇએ કે જેથી તેઓ વિદેશ જઈને અભ્યાસ કરી શકે.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા)ની કચેરીના અધિકારીશ્રી સંદિપ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુકત જાતિ, લઘુમતિઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ, સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનારી રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયરૂપ થવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ 2002-03માં 181.67 કરોડ અને 2005-06 માં 266.08 કરોડની બજેટ જોગવાઇ હતી. તેની સામે વર્ષ 2022-23ના બજેટમાં 4782 કરોડની માતબર રકમની જોગવાઇ કરાઇ છે. વિકસતી જાતિના કલ્યાણ માટે વર્ષ 2002માં 131.61 કરોડનું બજેટ હતુ જે વર્ષ 2022માં 2175.25 કરોડ કરવામાં આવ્યુ છે.
રાજ્ય સરકારના સઘન પ્રયત્નોને કારણે દરેક સમાજમાં શિક્ષણ સહિત આર્થિક વૃધ્ધીના દરમાં વધારો થયો છે. દરેક સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં આગળ વધે તે માટે અનેક વિધ યોજનાઓ થકી વર્તમાન સરકાર સક્રિય પ્રયાસો દ્વારા લોકોના સપનાઓ સાકાર કરી રહી છે.
000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other