સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની શાળાઓમાં 36મી નેશનલ ગેમ્સ અવરનેશ કેમ્પેઇનનાં આયોજનને બહોળો પ્રતિસાદ

Contact News Publisher

કાર્યક્રમ અંતર્ગત તાલુકાની વિવિધ શાળાઓમાં સ્થાનિક અધિકારીઓ તથા પદાધિકારીઓની ખાસ ઉપસ્થિતિ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્ય અને કેન્દ્રની સંયુક્ત ભાગીદારીથી તા. 29 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર દરમિયાન 36 મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં યોજાનાર છે. જેમાં સમગ્ર દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 7000 જેટલાં રમતવીરો 36 જેટલી વિવિધ રમતોમાં ભાગ લેનાર છે. આ નેશનલ ગેમ્સ ગુજરાતનાં છ શહેરો જેવાં કે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને ગાંધીનગર ખાતે યોજાનાર છે.
આ સંદર્ભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતનાં યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે રમતગમતની અને પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિઓ કરી તમામ વિદ્યાર્થીઓ અને સૌની વિશાળ ભાગીદારી સાથે તા.12 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર દરમિયાન ‘Celebrating Unity through Sports’ નાં થીમ હેઠળ રાજ્યની તમામ શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવાનું થાય છે જેને સફળ બનાવવા આખરી ઓપ આપવામાં આવેલ છે.
જે અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગરનાં પરિપત્ર અનુસાર 36 મી નેશનલ ગેમ્સ અવરનેશ કેમ્પેઇનનું આયોજન સુરત જિલ્લાનાં ઓલપાડ નગરની ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા, અસ્નાબાદ પ્રાથમિક શાળા તેમજ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે ઉમળકાભેર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા, અસ્નાબાદ પ્રાથમિક શાળા તેમજ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે અનુક્રમે લક્ષ્મણભાઈ ચૌધરી (મામલતદાર, ઓલપાડ) તથા શ્રીમતી સીતાબેન રાઠોડ (જિલ્લા પંચાયત સદસ્ય, સુરત), મુકેશભાઈ પટેલ (તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, ઓલપાડ) તથા શ્રીમતી અંજુબેન પટેલ (તાલુકા પંચાયત સદસ્ય, ઓલપાડ) તેમજ પંકજભાઈ પટેલ (આચાર્ય, મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય) તથા રાકેશભાઈ મહેતા (સી.આર.સી.કો-ઓર્ડિનેટર, સીથાણ) ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રસંગે પોતાના પ્રસંગિક ઉદબોધનમાં નેશનલ ગેમ્સનાં અનુસંધાને સવિસ્તર માહિતી આપી હતી. તેમણે ઉપસ્થિત બાળકો, વાલીઓ તેમજ ગ્રામજનોને આ બાબતે પ્રોત્સાહિત કર્યા હતાં. ઓલપાડ, કરંજ અને સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટરો મહેશ પટેલ, વિજય પટેલ તથા રાકેશ મહેતાએ આ શાળાઓમાં લાયઝનીંગની કામગીરી બજાવી હતી.
સમગ્ર રાજ્યને સમાંતર ઓલપાડ તાલુકાની તમામ શાળાઓમાં સદર કાર્યક્રમ અંતર્ગત કબડ્ડી, ખો-ખો, રસ્સા ખેંચ, ત્રિપગી દોડ જેવી વિવિધ દેશી રમતોમાં બાળકોએ જુસ્સાભેર જમાવટ કરી હતી. અંતમાં સૌએ ફિટ ઇન્ડિયા અંતર્ગત સંકલ્પ લીધા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other