ઓલપાડનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ કરંજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં સફળતાપૂર્વક સંપન્ન  

Contact News Publisher

સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, સુરત આયોજિત ઓલપાડનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ કરંજ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ ઉપરાંત ગ્રાન્ટેડ તથા ખાનગી શાળાઓનાં આશરે 450 થી વધુ બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો.
સદર કાર્યક્રમનાં કન્વીનર અને તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શોભાવતા કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારનાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા રાજ્ય સરકારે જે પહેલ કરી છે તે ખરા અર્થમાં સફળ નીવડી છે. જેનાં પરિણામસ્વરૂપ છેવાડાનાં ગામડાનો બાળક પણ આજે પોતાનાં મનગમતાં ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે કલા મહાકુંભ કે ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અમારું ટ્રસ્ટ જરૂરી મદદ માટે તૈયાર છે અને રહેશે.
કાર્યક્રમ અંતર્ગત લોકનૃત્ય, રાસ, ગરબા, સમૂહગીત, ચિત્રકલા, વક્તૃત્વ, નિબંધ, તબલાવાદન, હાર્મોનિયમ, એક પાત્રીય અભિનય, હળવું કંઠ્ય સંગીત, લગ્ન ગીત, સુગમ સંગીત જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. આ પ્રસંગે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા તાલુકા તથા જિલ્લાનાં અધિકારી-પદાધિકારીઓ, આસપાસનાં ગામનાં સરપંચો, સહકારી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્પર્ધાનાં અંતે નિર્ણાયકો દ્વારા પોતાનાં પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતાં. વિજેતા બાળકોને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ સેવા આપી હતી. અંતમાં આભારવિધિ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પ્રમુખ પટેલે આટોપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ઓલપાડ તાલુકા શિક્ષણ પરિવારની ટીમ, કેન્દ્રાચાર્ય જાગૃતિ પટેલ અને શાળા પરિવાર, કરંજ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનો તથા સ્થાનિક યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other