સુરત જિલ્લાનાં માંડવી ખાતે યોજાયેલ ઝોન કક્ષાની રેલીમાં ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા
જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવાની માંગણી સંદર્ભે સૌ મક્કમ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જૂની પેન્શન યોજનાનાં પુનઃ સ્થાપિત કરવા તથા અન્ય પડતર પ્રશ્નોનાં ઉકેલ સંદર્ભે થયેલ નમ્ર રજૂઆતોનો સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ફરી હરકતમાં આવ્યો છે. જેનાં આદેશનાં ભાગરૂપે સુરત જિલ્લાનાં માંડવી ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તેમજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની આગેવાનીમાં ઝોન કક્ષાની વિશાળ રેલી યોજાઇ હતી. દક્ષિણ ઝોનની આ રેલીમાં સુરત સહિત તાપી, વલસાડ, ડાંગ, નવસારી અને ભરૂચ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જૂની પેન્શન યોજના લાગુ કરવાની ઉગ્ર માંગ સાથે સદર મહારેલીમાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલનાં સંકલન અને માર્ગદર્શન હેઠળ સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલ, ઉપપ્રમુખો મહેશ પટેલ, ગિરીશ પટેલ, નગીન પટેલ, દેવાંગશુ પટેલ તથા નાણાંમંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ, સંઘનાં તમામ કારોબારી સભ્યો સહિત તાલુકાનાં પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. સદર મહારેલીને સફળ બનાવવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરી તથા માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મનિષ ચૌધરી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.