તાપી જિલ્લામાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” યોજાશે
પ્રાંત કક્ષાએ ૧૨ મીએ અને રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ ૧૩મી સપ્ટેમ્બરે લોકાભિમુખ વિકાસ કાર્યો લોકાર્પણ, ખાતમુહુર્તો, જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૦૯- ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષા અને પ્રાંત કક્ષાએ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે વિવિધ લોકાભિમુખ વિકાસ કાર્યોના લોકાર્પણ,ખાતમુહુર્તો, જેવા કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. તાપી જિલ્લા સમાહર્તા શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓની બેઠકમાં તાપી જિલ્લામાં “વિશ્વાસ થી વિકાસ યાત્રા” ના સુચારૂ આયોજન માટે જિલ્લા સેવા સદન અને પ્રાંત અધિકારીશ્રીની કચેરીમાં બેઠક યોજાઈ હતી.
જિલ્લા સમાહર્તાશ્રી એચ.કે.વઢવાણિયાએ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “વિશ્વાસ થી વિકાસ યાત્રા” ના આયોજન દરમિયાન યોજનાકીય કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ભવ્ય ઉજવણી થાય તે માટે સૌએ પ્રયાસ કરવાનો રહેશે.કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવામાં આવનાર છે. દરેક વિભાગ/કચેરી દ્વારા કરવામાં આવેલ સરકારની યોજનાકીય ફલશ્રૃતિ લોકો સુધી પહોંચે તે માટે આપણે કટીબધ્ધ છીએ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ અધિકારીશ્રીઓને લોકાર્પણ,ખાતમુહુર્ત ના અનાવરણ માટેની તકતીઓ સારી રીતે તૈયાર થાય તે માટે માર્ગદર્શન પુરૂ પડ્યું હતું. સાથે યોજનાકીય કામગીરીની વિગતો યોગ્ય રીતે ચકાસણી કરી લોકો સમક્ષ મુકવા અનુરોધ કર્યો હતો.
પ્રાંત કક્ષાનો કાર્યક્રમ ૧૨ સપ્ટેમ્બરે વ્યારા પ્રાંત- શ્યામાપ્રસાદ ટાઉનહોલ,વ્યારા ખાતે અને નિઝર પ્રાંતનો કાર્યક્રમ એપીએમ.સી.માર્કેટ ખાતે યોજાશે. જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દક્ષિણાપથ વિવિવધલક્ષી વિદ્યાલય,વ્યારા ખાતે ૧૩ સપ્ટેમ્બરે યોજાશે.
જિલ્લા કક્ષાની બેઠકમાં આયોજન અધિકારી એસ.એસ.લેઉવા,પ્રાંત અધિકારી આર.સી.પટેલ,સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વ્યારા પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી આર.સી.પટેલના અધ્યક્ષ સ્થાને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી દિપ્તી રાઠોડ,વાલોડ,વ્યારા,ડોલવણ,સોનગઢ મામલતદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦